અમદાવાદ શહેરમાં નો- કેટલ ઝોન ક્યારે જાહેર થશે?:નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નવા વાડજમાં નો – કેટલ ઝોન, ઢોર રખડતું જોવા મળશે તો પોલીસ ફરિયાદ થશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાની થવાની હોવાથી અને વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં લાગુ કરવામાં આવી છે છતાં પણ કેટલાક પશુ માલિકો દ્વારા ઢોર રોડ ઉપર રખડતા મૂકવામાં આવતા હોવાના પગલે શહેરના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સરદાર પટેલ સ્ટેડિયમ, નવા વાડજ ભરવાડ વાસ, નિર્ણયનગર ગરનાળા, શિવમ શાકમાર્કેટ અને જુના રાણીપ વિસ્તારમાં નો- કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈપણ ઢોર આ વિસ્તારમાં રખડતું જોવા મળશે તો તેના માલિક વિરુદ્ધ પોલીસ કમિશનર જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. નો-કેટલ ઝોનમાં અમદાવાદ મનપા દ્વારા કાર્યવાહી શરૂ
શહેરના નવા વાડજ વિસ્તારમાં શિવમ શાકમાર્કેટ અને નવા વાડજ ભરવાડ વાસ સહિતના વિસ્તારમાં નો કેટલ ઝોન જાહેર કરવામાં આવતા આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી વિભાગની ટીમ દ્વારા નવા વાડજ ભરવાડ વાસમાં નો – કેટલ ઝોનને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. સીએનસીડી વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભરવાડ વાસમાં રહેલા તમામ ઢોરવાડાઓમાં તપાસ કરવામાં આવી હતી. ઢોર માલિકોને સાથે રાખી અને ઢોરવાડામાં તપાસ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક પણ ઢોર રખડતું ન મુકવા સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર તમામ વિસ્તારોમાં ઢોર રખડતા જોવા મળી રહ્યા છે ત્યારે આખા શહેરને નો- કેટલ ઝોન જાહેર કરવામા આવે તેવી માંગ ઉઠી છે. રખડતા ઢોર નિયંત્રણની પોલિસી આવી પણ સંપૂર્ણ અમલવારી નહીં
રખડતા ઢોર નિયંત્રણની પોલીસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે પરંતુ હજી પણ કેટલાક ઢોર રોડ ઉપર રખડતા જોવા મળી રહ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં શાળા, મ્યુઝીયમ, કોલેજો, યુનિવર્સિટી, ધાર્મિક સ્થળો, બગીચાઓ, ગાર્ડન, શૈક્ષણિક સંકુલો,હોસ્પિટલો,ઇવેન્ટ્સ બજારો,શાક-માર્કેટ, હોલ, સભાઓ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થતા હોય છે. નાગરિકોની મોટી સંખ્યામાં અવર-જવર થતી હોય તેવા સ્થળો જેવા કે, બસ સ્ટેશન, હાઇવે, શાળા-કોલેજ, યુનિવર્સીટી, શાકમાર્કેટ, બજારો, ગાર્ડન, બ્રિજ, રીંગ રોડ, બ્રિજ રેલ્વે ક્રોસીંગ, અંડરપાસ, ચાર રસ્તા જંકશન, નેશનલ હાઇવે, એક્સપ્રેસ વે,એસ.પી.રીંગ રોડ જેવા શહેરમાં વધુ ટ્રાફિક અવર-જવર,ગીચતા ધરાવતા જાહેર સ્થળો, ટ્રાફિકમાં રોડ ઉપર ફરી એકવાર ઢોર રખડતા થઈ ગયા છે. નો-કેટલ ઝોનમાં પશુ પકડાશે તો માલિક સામે ફરિયાદ થશે
પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી આશ્રમ, મલ્ટી મોડલ હબ, રાણીપ GSRTC બસ સ્ટેન્ડ, RTO કચેરી જેવી ભીડભાડવાળા મોટી સંખ્યામાં નાગરિકોની અવર-જવરવાળા સ્થળો આવેલા છે. જેથી વિસ્તારોને નો-કેટલ ઝોન તરીકે જાહેર કરવો જરૂરી છે. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા નવાવાડજ વોર્ડમાં આવેલા ભરવાડ વાસ, શિવમ શાકમાર્કેટ, નિર્ણયનગર ગરનાળા તથા નારણપુરામાં આવેલ સ્પોર્ટ્સ સંકુલના આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ તમામ બાબતો ધ્યાને લઇ આ વિસ્તારોને ‘કેટલ ફ્રી એરીયા/ નો-કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ‘કેટલ ફ્રી એરીયા/નો-કેટલ ઝોન’ માં કોઈપણ પશુપાલક/પાશુમાલિક પોતાનું પશુ જાહેરમાં રખડતું મુકી શકશે નહી. જો તેમ કરવામાં આવશે તો જે તે પશુના માલિક -વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પોલીસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગ (C.N.C.D.) ના સંકલનમાં રહી આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે. આખા શહેરમાં નો-કેટલ ઝોન ક્યારે જાહેર થશે?
પોલીસ કમિશનર દ્વારા પશ્ચિમ વિસ્તારના જ્યાં વધારે વીઆઈપી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ સમગ્ર અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઢોર રોડ ઉપર જોવા મળી રહ્યા છે ખાસ કરીને સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ન્યુ રાણીપ, ગોતા, ઓઢવ, સીટીએમ, નરોડા, સરદારનગર, નાનાચિલોડા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળતા હોય છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં નો કેટલ ઝોન જાહેર કરવાની જરૂરિયાત છે પરંતુ માત્ર કેટલાક ચોક્કસ વિસ્તારો જમા ભાજપના ધારાસભ્યોથી લઇ અને કોર્પોરેટરોની રજૂઆત બાદ લોક હેતલ ઝોન જાહેર કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે આખા શહેરમાં જો નો કેટલુ જાહેર કરવામાં આવે તો રખડતા ઢોરની સમસ્યા દૂર થઈ શકે તેમ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *