રત્નકલાકારોના બાળકોના શિક્ષણ સહાયના 26 હજાર ફોર્મ રદ થયા:છેલ્લા પાંચ દિવસમાં સુરતમાં 1 હજાર RTI અરજી, રિજેક્ટ થયેલા ફોર્મના સાચા કારણો જાણવા માગ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતાં સુરતના રત્નકલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ-2005નો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂંક્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા પાંચ દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1000 થી વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અભિયાન રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્નકલાકારોને ન્યાય અપાવવા પર કેન્દ્રિત છે. 26,000 ફોર્મ રદ થતાં રત્નકલાકારોમાં રોષ
ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રત્નકલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74000થી વધુ રત્નકલાકારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈપણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા હતાં. બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ
હાલમાં હીરા ઉદ્યોગ મંદીના ગ્રહણ હેઠળ છે, જેના કારણે અનેક રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પરિવારો ભાડાના મકાનોમાં રહે છે અને તેમના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફી ન ભરાય તો બાળકોના અભ્યાસ અટકાવવામાં આવે તેવું દબાણ પણ સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કપરા સમયમાં શિક્ષણ સહાય રદ થતાં પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અધિકારીઓના ઉડાઉ જવાબથી RTE અભિયાન
ભાવેશભાઈ ટાંકના જણાવ્યા મુજબ, જે રત્નકલાકારોના ફોર્મ રદ થયા હતા, તેઓ જ્યારે ફોર્મ રિજેક્ટ થવાનું કારણ જાણવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે અધિકારીઓ અને ક્લાર્ક દ્વારા તેમને સ્પષ્ટ માહિતી આપવાના બદલે ‘જો માહિતી જોઈતી હોય તો આરટીઆઈનો સહારો લો’ તેવું કહેવામાં આવ્યું હતું. પાંચ દિવસમાં 1 હજાર RTI અરજી દાખલ
અધિકારીઓના આ બેજવાબદાર વલણને કારણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આરટીઆઈ અભિયાન ચલાવવાનું નક્કી કરાયું. માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં જ 1,000 થી વધુ રત્નકલાકારોએ જાગૃત થઈને આરટીઆઈ દાખલ કરી છે અને આ અભિયાન હજી પણ ચાલુ છે. ‘સરકારે રદ કરાયેલા ફોર્મ પર ફેર-વિચારણા કરવી જોઈએ’
ભાવેશભાઈએ ‘માહિતી અધિકાર અધિનિયમ-2005’ના કાયદાની સત્તા પર ભાર મૂકતા જણાવ્યું કે, આ કાયદો ભારતના દરેક નાગરિકને સરકાર પાસેથી માહિતી જાણવાનો બંધારણીય અધિકાર આપે છે. તેમણે ઉમેર્યું કે, સરકારને અમારી વિનંતી છે કે જો ફોર્મ યોગ્ય કારણોસર રદ થયા હોય તો વાંધો નથી, પરંતુ અનેક એવા પરિવારો છે જેને હકીકતમાં ફીની જરૂર છે. સરકારે મોટું મન રાખીને 26,000 રદ કરાયેલા ફોર્મ પર ફેર-વિચારણા કરવી જોઈએ. જો આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર અને યોગ્ય રીતે પૂરી પાડવામાં નહીં આવે, તો યુનિયન અધિકારીઓ વિરુદ્ધ અને કાયદાના ભંગ બદલ કાયદાકીય લડત ચલાવશે, તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *