પાટણ-શિહોરી હાઈવે પર 18 નવેમ્બર, 2025 ના રોજ રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ અજાણ્યા બાઇક સવારોએ ચાર વાહનો પર પથ્થરમારો કર્યો હતો. મોટા નાયતા ગામ નજીક બનેલી આ ઘટનામાં ગુજરાત એસ.ટી. નિગમની ત્રણ બસો સહિત કુલ ચાર વાહનોના આગળના કાચને નુકસાન થયું હતું. દિયોદર ડેપોના ડ્રાઇવર મોહમંદસલીમ કરીમભાઇ કાળાભાઇએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મોહમંદસલીમ કાળાભાઇ શામળાજીથી દિયોદર રૂટની એસ.ટી. બસ (રજી. નં. જી.જે.18.ઝેડ.8167) લઈને પાટણ બસ સ્ટેન્ડથી દિયોદર તરફ જઈ રહ્યા હતા. રાત્રે સવા આઠ વાગ્યાના સુમારે મોટા નાયતા ગામ નજીક હનુમાન દાદાના મંદિરના પુલથી 400 મીટર દૂર, શિહોરી તરફથી આવેલા એક મોટરસાયકલ સવારે તેમની ચાલુ બસના આગળના કાચ પર પથ્થરો ફેંક્યા હતા. ડ્રાઇવરે બસનું સ્ટેરિંગ કાબુમાં રાખી બસને રોડની સાઈડમાં ઊભી કરી દીધી હતી. આ ઘટના બાદ, નડિયાદથી દિયોદર રૂટની એસ.ટી. બસ (નં. જી.જે.18.ઝેડ.ટી.2029) અને તેની પાછળ આવતી મહેસાણા ડેપોની અમદાવાદથી થરા જતી બસ (રજી. નં. જી.જે.18.ઝેડ.ટી.2735) ને પણ અજાણ્યા બાઇક સવારે ભુતિયાવાસણાથી કાંસા ગામ વચ્ચે પવનસેતુ લીઝ નજીક આગળના કાચ પર પથ્થરો મારી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, ટ્રબો ગાડી (નં. જી.જે.24.એક્સ.4199) ના ચાલક સોલંકી મહેન્દ્રસિંહ અમરતસિંહે પણ તેમની ગાડીના આગળના કાચ તૂટ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પથ્થરમારાની ઘટનામાં કુલ ₹55,000 નું નુકસાન થયું છે. મોહમંદસલીમની એસ.ટી. બસના કાચને ₹15,000, અન્ય બે એસ.ટી. બસના કાચને ₹30,000 અને ટ્રબો ગાડીના કાચને ₹10,000 નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સરસ્વતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક સવારો વિરુદ્ધ IPC કલમ 324(3), 327, 324(4), 54 અને પ્રિવેન્શન ઑફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 (Qce) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પાટણ-શિહોરી હાઈવે પર 4 વાહનો પર પથ્થરમારો:3 ST બસોના કાચ તૂટ્યા, ₹55,000નું નુકસાન, ફરિયાદ નોંધાઈ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
