
ચીન સાથે વધતી તંગદિલી અને સંભવિત સૈનિક આક્રમણની આશંકાએ તાઈવાન પોતાની રાષ્ટ્રીય સલામતી માટે ઘણું જ સતર્ક થઇ ગયું છે
તાઈપી: ચીન સાથે વધતી જતી તંગદિલી અને સંભવિત સૈન્ય આક્રમણની દ્રષ્ટિએ તાઈવાન પોતાની રાષ્ટ્રીય સલામતી માટે ઘણું જ સતર્ક થઇ ગયું છે. તે કાર્યવાહીના ભાગ તરીકે તાઈવાનની જાસૂસી સંસ્થાએ એક અગ્રીમ ટીવી રીપોર્ટરને ચીન માટે જાસૂસી કરવાના આરોપસર અટકાયતમાં લીધો છે. તેની ઉપર આરોપ છે કે તેણે સેનાના વર્તમાન અધિકારીઓને લાંચ આપી સંવેદનશીલ માહિતી તળભૂમિ ચીન સ્થિત અધિકારીઓને પહોંચાડી હતી. આ ધરપકડ તેવા સમયે થઇ રહી છે કે જ્યારે સ્વતંત્ર દ્વિપ તાઈવાન ચીનની સંભવિત સેનાકીય ઘૂસપેઠ અને જાસૂસી સામે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવાના કામમાં લાગી પડયું છે.
