અમદાવાદ મનપાની રિવ્યૂ બેઠકમાં કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો:ઈ-ગવર્નન્સ વિભાગની કામગીરીથી નારાજ, કહ્યું- 'ઓફિસર બનીને નહીં નાગરિક બનીને વિચારશો તો પરિસ્થિતિનો ખ્યાલ આવશે'

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ બેઠક દરમિયાન મ્યુનિ. કમિશનરે શહેરના પાર્કિંગ મુદ્દે નાગરિકોને પડતીને હાલાકી માટે ઇ – ગવર્નન્સ વિભાગની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. સરકારના વિવિધ પ્રોજેક્ટ હેઠળ કામગીરી માટે ડેટા પ્રેઝન્ટેશનમાં યોગ્ય ડેટા રજૂ ન કરતા પ્લાનિંગ અને ફાઇનાન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ કમિશનરે ખખડાવ્યા હતા. પૂર્વ વિસ્તારમાં વધતાં રોગચાળાને લઈને ફરી એકવાર કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. નવા બનાવેલા એક RCC રોડ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ફાઈલ મુકતા કમિશનરે કહ્યું કે, 25 વર્ષ માટે જે રોડને કશું થવાનું નથી એવા રોડને તમે તોડવા માટે મારી પાસે ફાઇલ મોકલો છો શરમ આવી જોઈએ હવે આવી રીતે મારી પાસે ફાઈલ ના મોકલતા તેવું કહી દીધું હતું. અધિકારીને કહ્યું-‘તમારી પાસે ઓફિસની કારઅને ડ્રાઈવર છે એટલે તકલીફ નહીં પડે’
આજે 19 નવેમ્બરના રોજ બુધવારે મળેલી મ્યુનિસિપલ કમિશનરની અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠક દરમિયાન શહેરમાં પે એન્ડ પાર્કિંગમાં કેટલા વાહનો પાર્ક થયેલા છે અને કેટલા વાહનોનો પ્લોટ ખાલી છે તેને લઈને આપણી પાસે એવી કોઈ એપ કે સુવિધા છે તેને લઈને પ્રશ્ન કર્યો હતો જેમાં ઈ ગવર્નન્સ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે સેન્સર લગાવવાનું બાકી છે જેથી કમિશનરે કહ્યું હતું કે તમે અધિકારી નહીં પરંતુ નાગરિક બનીને વિચારો. તમારી પાસે ઓફિસની ગાડી અને ડ્રાઇવર છે જેથી તમને તકલીફ નહીં પડે. ઓફિસર નહીં પરંતુ જો નાગરિક બનીને વિચાર કરશો તો ખરેખર શું પરિસ્થિતિ છે તેનો તમને ખ્યાલ આવશે. પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી કમિશનરનો ઉધડો લીધો
રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરી કરી રહી છે જેના માટેના પ્રોગ્રેસ રિવ્યુ અંગેનું પ્રેઝન્ટેશન કોર્પોરેશનના નાણા અને પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક ડેટા ન હોવાને લઈને કમિશનરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમે DYMC લાયક છો કે નહીં તેના પર મને પ્રશ્ન થઈ રહ્યો છે. શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને પણ મ્યુનિસિપલ કમિશનરે ચિંતા વ્યક્ત કરી અને પૂર્વ વિસ્તારના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં વધતા જતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે. ફાયર NOC વગરની હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા સૂચના
શહેરમાં ફાયર એનઓસી અને બીયુ વગરની હોસ્પિટલો અને લઈને પણ કમિશનરે એસ્ટેટ વિભાગ તેમજ ફાયર વિભાગને સંયુક્ત રીતે તપાસ કરીને ફાયર એનઓસી વિનાની હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. ફાયર સ્ટેશનની સંખ્યા ઓછી છે નવા ફાયર સ્ટેશન બનાવવા માટેના પ્લોટની ફાળવણી કરવા માટે થઈને કમિશનરે કહ્યું હતું કે સૌથી પહેલા ફાયર સ્ટેશન બનાવવા માટેના પ્લોટ ફાળવણી કરવામાં આવે જ્યાં પણ દબાણ દૂર કરવાના હોય ત્યાં દબાણો દૂર કરી અને પ્લોટ ખાલી કરી ફાળવણી કરવા જણાવ્યું હતું. શહેરમાં રોડ રસ્તાની કામગીરીને લઈને પણ મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી કે અત્યારે રોડની કામગીરી રાત્રે ચાલી રહી છે પરંતુ જ્યાં ઓછો ટ્રાફિક હોય અને વધારે નાગરિકોને હાલાકી ન પડતી હોય તેવા વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ રોડની કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઉત્તર ઝોનમાં ચાલી વિસ્તારમાં ડ્રેનેજ બેન્કિંગની સમસ્યાઓ થઈ રહી છે ત્યારે નાગરિકો ગટરમાં ગોદડા અને અન્ય ચીજ વસ્તુઓ નાખે છે જેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી હતી કે તમે આવા વિસ્તારોમાં તપાસ કરીને નાગરિકોને સમજણ આપો કે ગટરમાં આવી કોઈ ચીજ વસ્તુઓ નાખે નહીં તો તકલીફ વધારે થશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *