ભરૂચમાં અરજી પ્રક્રિયા તેજ:કમોસમી વરસાદથી ખેડૂતો નુકસાન માટે રાહત પેકેજ અરજી પ્રક્રિયા તેજ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ₹9,815 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર 14મી નવેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતના બે દિવસ ટેકનિકલ ખામીને કારણે પોર્ટલ બંધ રહ્યું હતું, પરંતુ હવે સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે 1.35 લાખ હેક્ટર, એટલે કે 33 ટકા વિસ્તારના પાકને નુકસાન થયું છે. જિલ્લામાં અંદાજે 1 લાખ ખેડૂતો અસરગ્રસ્ત હોવાનું મનાય છે. તેમના દ્વારા ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત સ્તરે પણ ઝડપી બનાવવામાં આવી છે. રાહત સહાય મેળવવા માટે ખેડૂતોએ 7/12ની નકલ, આધારકાર્ડ, તલાટી દ્વારા આપવામાં આવેલ વાવેતર દાખલો, બેન્ક પાસબુક અને મોબાઈલ નંબર જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. આ અરજી પ્રક્રિયા આગામી 15 દિવસ સુધી ચાલશે. ઓનલાઈન અરજીઓની ચકાસણી પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *