ભુજમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન:કિસાન સંઘે રાહત પેકેજમાં સમાવેશ કરવા મામલતદારને રજૂઆત કરી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. માવઠાથી ભુજ તાલુકામાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હોવા છતાં, સરકારના રાહત પેકેજમાંથી ભુજ તાલુકાને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. આ અંગે ભુજ તાલુકા કિસાન સંઘે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી, તાત્કાલિક રાહત પેકેજમાં સમાવેશ કરવાની માંગ કરી છે. કિસાન સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગત તા. 27 સપ્ટેમ્બરથી સતત સાત દિવસ સુધી વરસેલા વરસાદને કારણે ખેડૂતોના ખેતર અને વાડીના પાકોને મોટું નુકસાન થયું છે. જેમાં મગફળી, કપાસ, જુવાર, બાજરી, તેમજ બાગાયતી પાકો જેવા કે દાડમ, શાકભાજી અને પશુપાલન માટેના ચારાનો સમાવેશ થાય છે. અગાઉ સરકારનું ધ્યાન દોરવામાં આવતા, ગત સપ્તાહમાં નુકસાની માટેનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ પેકેજમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનો સમાવેશ ન કરાતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ભુજ તાલુકાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી, અહીંના ખેડૂતોને થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે તાત્કાલિક કૃષિ રાહત પેકેજમાં ભુજ તાલુકાનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે, તેવી માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. આ રજૂઆત વેળાએ ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ આહીર અને સહમંત્રી રવજીભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *