ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ મામલે હાઈકોર્ટમાં PIL:સુપ્રીમના નિર્દેશથી હાઇકોર્ટમાં અરજી ટ્રાન્સફર, 25 નવેમ્બરે સુનવણી હાથ ધરાશે; મૃતકોને વળતરની માંગ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

‘ડીસા ફાયર ટ્રેજેડી’ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી સુપ્રીમના નિર્દેશથી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે. જેને હાઇકોર્ટમાં PIL તરીકે દાખલ કરીને તેની ઉપર 25 નવેમ્બરે સુનવણી રાખી છે. જેમાં હાઇકોર્ટે અરજદારને GPCB, સ્ટેટ ફાયર સર્વિસ અને ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝને પક્ષકાર બનાવવા સૂચના આપી છે. પક્ષકારોને અરજીની એડવાન્સ કોપી આપવામાં આવશે. મૃતકોને 2 કરોડ અને ઈજાગ્રસ્તોને 50 લાખ વળતર ચૂકવવાની માગ
સુપ્રીમમાં થયેલી અરજીમાં મૃતકોને બે કરોડ અને ઇજાગ્રસ્તોને 50 લાખ રૂપિયાના વળતરની માગ કરાઇ હતી. આ દુર્ઘટના અંગે ડીસા રૂરલમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર એજન્સી જોડે કરાવવાની દાદ માંગવામાં આવી છે. એમાં પણ ગુજરાત રાજ્ય બહારના પોલીસ અધિકારીઓની ટીમ જોડે તપાસની રજૂઆત કરવામાં આવી છે. જેથી આવી દુર્ઘટનાઓમાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓની ભૂમિકા બહાર આવી શકે. રાજ્યમાં ફાયર સેફ્ટી સહિતના સંબંધિત કાયદાઓ અને નિયમોને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉત્પાદકોની ચકાસણી કરવાની માગ પણ અરજીમાં કરવામાં આવી છે. રાજ્યમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ, વપરાશ અને પરવાના સંદર્ભે યોગ્ય નિયમો બનાવવા અને એનું મોનિટરિંગ કરવાની દાદ પણ માંગવામાં આવી છે. કુંટુંબના 6 સભ્યોને ગુમાવનાર ચંદરસિંહે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
1 એપ્રિલ, 2025ના રોજ ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગમાં કુટુંબના છ સભ્યોને ગુમાવનાર ચંદરસિંહ નાયકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે 1 એપ્રિલ, 2025 ના રોજ ડીસા ખાતેની એક ફટકડાના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભયાનક આગ લાગી હતી. જે સ્થળે છ વેરહાઉસ હતા. અરજદાર ત્યાં લેબર તરીકે કામ કરતો હતો અને એ મૂળ મધ્યપ્રદેશના દેવાસનો રહેવાસી છે. આ દુર્ઘટનામાં એના કુટુંબના છ સભ્યો મૃત્યુ પામ્યા હતા. તેથી તેની એવી માગ છે કે રાજ્ય સરકાર દ્વારા મૃતકોને 2 કરોડ અને ઇજાગ્રસ્તોને 50 લાખનું વળતર ચુકવવામાં આવે. 7 બાળકો સહિત 21 લોકોના મોત નિપજ્યા હતા
આ દુર્ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં બનેલી આગની હોનારત પૈકી એક છે. આ ઘટનામાં બ્લાસ્ટ એટલો ગોઝારો હતો કે સાત બાળકો સહિત 21 લોકો મૃત્યુ પામ્યા હતા. આ મોટાભાગના મધ્યપ્રદેશથી આવેલા મજૂરો હતા, જેઓ ટ્રેજડીનો ભોગ બન્યા હતા. આ વેરહાઉસના માલિકો ગેરકાયદેસર રીતે એટલે કે કોઇ પણ અધિકૃત મંજૂરી વિના ફટાકડાનું મોટાપાયે ઉત્પાદન કરતાં હતા. આ એકમો જોડે યોગ્ય પરવાના નહોતા. વેચાણની પરવાનગી, ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોની ઐસીતૈસી કરીને આ એકમો ધમધમતા હતા. વેરહાઉસના માલિકો જ કામ કરતાં મજૂરોને લઇ આવ્યા હતા અને તેમને મરવાના વાંકે ફેક્ટરીમાં કામ કરાવતાં હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *