
Bihar SIR Row: બિહારમાં મતદાર યાદીઓના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ (ECI)ના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે પૂછ્યું હતું કે, ‘શું આ કવાયત પાછળનો છૂપો એજન્ડા લોકોની નાગરિકતા ચકાસવાનો હતો?’
‘સ્થળાંતર’ શબ્દના ઉપયોગ પર કોર્ટની ટિપ્પણી
સુનાવણી દરમિયાન જ્યારે ચૂંટણી પંચે વસ્તી વિષયક ફેરફાર અને સ્થળાંતરનો હવાલો આપ્યો, ત્યારે કોર્ટે ટિપ્પણી કરી કે, ‘એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું એ નાગરિકનો બંધારણીય અધિકાર છે. પંચની સૂચનામાં ‘ગેરકાયદે સ્થળાંતર’ કે ‘સરહદ પાર’ના સ્થળાંતરનો કોઈ ઉલ્લેખ નથી. જો આ માત્ર આંતર-રાજ્ય સ્થળાંતરનો મુદ્દો હોય, તો તેમાં ‘નાગરિકતા’ની તપાસ કરવાનો વિષય ક્યાંથી આવ્યો?’
