ગોધરા તા.૨૪ રાજયમાં ખેરના લાકડાની તસ્કરી કરવાના નોંધાયેલા ગુનામાં ઈડીએ ગોધરાના બે શખ્સો સહિત આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની કુલ રૃા.૧૧.૩૦ કરોડની ૧૪ મિલકતો જપ્ત કરાતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના વન વિભાગે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલા શાલીમાર એન્ટરપ્રાઈસ ડેપોમાં રેડ કરી ગુજરાતના જંગલોમાંથી ચોરી કરાયેલ અંદાજે ૨,૦૫૫ મેટ્રિક ટન ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા ખેરના લાકડાનો આ વિશાળ જથ્થો ૨૪૭ ટ્રક મારફતે પરિવહન કરી સુરતના માંડવી ડેપો ખાતે લાવવામાં આવ્યો હતો.
