વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા 2 પોલીસકર્મી સહિત 4 શખ્સોએ મળીને અમદાવાદ SOG પોલીસમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપીને ભરૂચના વેપારીને ધાક ધમકી આપીને તેની પાસેથી 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સમયે વેપારી સાથે તેની મહિલા મિત્ર પણ હતી. આ સમયે 2 પોલીસકર્મી સહિતના આ 4 શખ્સોએ વેપારીને ધમકી આપતા કહ્યું હતું કે, અમે અમદાવાદ SOGના જવાનો છીએ, તું કેવા ધંધા કરે છે, એની અમને ખબર છે. અમારા પીઆઇ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ જણાવીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં હની ટ્રેપની પણ શક્યતા છે, જેને લઈને પણ માંજલપુર પોલસે તપાસ શરૂ કરી છે. મહિલા મિત્ર સાથે ઈનોવામાં જઈ રહેલા વેપારીનું અપહરણ
ગત 12 નવેમ્બરના રોજ સવારે ભરૂચના 30 વર્ષીય વેપારી અફાન ઉસ્માનભાઈ કાની પોતાની મહિલા મિત્ર સાથે MS યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા. મહિલા મિત્રનું એડમિશનનું કામ પૂર્ણ થતાં તેઓ ભરૂચ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન એમની ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રુપ- 9 પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રાખવી હતી અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો અને અંદર બેસી જઈને પોલીસ હોવાનું જણાવ્યું હતું અને બધાના ફોન લઈ લીધા હતા અને મહિલા મિત્રને નીચે ઉતારીને વેપારીને સફેદ સ્કોર્પિયો કારમાં લઈ ગયા હતા. ત્યારબાદ વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર લઈ લેવા જણાવ્યું હતું અને રસ્તામાં આ શખ્સોએ પોતે અમદાવાદ SOGના જવાનો છીએ તું કેવા ધંધા કરે છે, એની અમને ખબર છે. અમારા પીઆઇ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ જણાવી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે નહીં હોવાનું અફવાને જણાવ્યું હતું. રકઝક કરતાં કાર એક્સપ્રેસ હાઈવેના અમદાવાદના સીટીએમ નાકે પહોંચી હતી. વેપારીએ પાંચ લાખ આપવાની તૈયારી બતાવતા પરત વડોદરા લવાયો
અંતે વેપારીએ 5 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફાનને પરત વડોદરા લવાયો હતો. બાદમાં એના ભાઈ સાથે ફોન પર વાત કરતાં ભરૂચથી 5 લાખ લઈને તાત્કાલિક વડોદરા પહોંચવા જણાવ્યું હતું અને કાલાઘોડા પાસે ઉભો રાખ્યો હતો અને ફોન કરીને લાલબાગ પાસે આવેલા એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. આ સમયે ફરિયાદીએ આરોપી યાજ્ઞિકનો વીડિયો પણ ઊતાર્યો હતો. જે તેને પોલીસને આપ્યો છે. 4 લાખ ચૂકવતા જ અફાનને છોડી મૂક્યો
4 લાખ મળી ગયા બાદ નકલી બન્ને પોલીસકર્મીઓએ અફાનને છોડી દીધો હતો, પરંતુ, મોબાઇલ ફોન પરત આપ્યો ન હતો. બીજા દિવસે ફોન કરી એક લાખ રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહેતા વેપારી ખંડણીખોરોએ આપેલા સરનામે અકોટા પોલીસ લાઇન પાસે આવી એક ગલ્લા પર એક લાખ આપ્યા હતા, જેમાંથી 50 હજાર રૂપિયા તેને વેપારીને પરત કર્યા હતા અને ત્યારબાદ વેપારીએ ફોન પરત મેળવ્યો હતો. આમ કુલ 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીને સમગ્ર મામલે શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી
બાદમાં આખી ઘટનામાં અમદાવાદ SOGના પોલીસ જવાનો હોવાની ઓળખ આપનાર લોકો ઉપર શંકા જતા વેપારી અફાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બે આરોપી વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સિપાહી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક જેલ સિપાહી યાજ્ઞિક ચાવડા અને બીજો જેલ સિપાહી કે. ડી. પ્રજાપતિ છે. પોલીસે યાજ્ઞિક ચાવડા અને તેના મિત્ર આફતાબ પઠાણ(રહે. તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરી છે. જ્યારે જેલ સિપાહી કે. ડી. પ્રજાપતિ અને અન્ય એક એક શખ્સ કાનાભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેસ હનીટ્રેપનો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી
વેપારી 15 દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેની મહિલા મિત્રના સંપર્કમાં આવ્યો હતો. આ કેસમાં હનીટ્રેપ કરવામાં આવી હોવાની પણ શક્યતા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. DCP ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, CCTV, કોલ ડિટેઇલ અને વિડિઓના આધારે માંજલપુર પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ 4 લાખ રૂપિયા આરોપીને આપ્યા તેનો વીડિયો પણ ઉતાર્યો હતો, એ ફરિયાદીએ અમને આપ્યો છે, એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.
વડોદરામાં ખાખીધારી ખંડણીખોર બન્યા:મહિલા મિત્ર સાથે કારમાં જઈ રહેલા વેપારીનું ફિલ્મીઢબે અપહરણ કર્યું, કેસમાં ફીટ કરવાની ધમકી આપી 50 લાખ માગ્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
