ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવવામાં વિલંબ અને પ્રક્રિયાની જટિલતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સરકાર દ્વારા જાહેર કરાયેલા 10 હજાર કરોડના સહાય પેકેજને માત્ર ‘લોલીપોપ’ ગણાવ્યું છે.
ધારાસભ્ય વસાવાના જણાવ્યા અનુસાર, પાક નુકસાનની જાહેરાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો મળ્યો નથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો સરકારે સહાય ચૂકવવાની જ હતી, તો ઓનલાઈન ફોર્મ ભરાવવાની અને તેમાં આટલી જટિલ પ્રક્રિયાઓ શા માટે રાખવામાં આવી? વસાવાએ આક્ષેપ કર્યો કે સરકારે નુકસાનગ્રસ્ત ૪૪ લાખ હેક્ટરનો સર્વે અને ખેડૂત જોગ યાદી તૈયાર હોવા છતાં, ડાયરેક્ટ ખાતામાં પેમેન્ટ આપવાને બદલે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાવી છે. આ પ્રક્રિયા માટે ખેડૂતો પાસેથી વીસી (ગ્રામ કમ્પ્યુટર ઓપરેટર) મારફતે ₹૧૫૦ વસૂલવામાં આવી રહ્યા છે, જે ખેડૂતો પર વધારાનો બોજ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે 20 હજાર કરોડની જોગવાઈ કરીને 100 ટકા નુકસાનમાં પ્રતિ હેક્ટર રૂ.22 હજાર આપવાની વાત કરી હતી. જોકે, હવે નુકસાનીના દાવામાં 70 ટકા 50 ટકા કે 60 ટકા જેવી ટકાવારી બતાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને મળનારી સહાય ઘટાડશે. ચૈતર વસાવાએ અગાઉના વચનોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ગત વર્ષે જાહેરાત કરાયેલા ₹369 કરોડ અને બીજા તબક્કામાં રૂ.1740 કરોડમાંથી રૂ.500 કરોડ પણ હજુ સુધી ચૂકવાયા નથી. ધારાસભ્ય વસાવાએ આ સમગ્ર મામલાને માત્ર ‘જાહેરાત’ અને ‘લોલીપોપ’ ગણાવતા કહ્યું કે સરકારે કરેલી ₹ 10 હજાર કરોડની જોગવાઈમાંથી ખેડૂતોને ₹ 5 હજાર કરોડ પણ ચૂકવવાનો ઈરાદો નથી.
ચૈતર વસાવાએ પાક નુકસાન સહાયને 'લોલીપોપ' ગણાવી:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પ્રવાસ દરમ્યાન ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા, ખેડૂતોને 10 હજાર કરોડના પેકેજમાં વિલંબ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
