આરોપીઓના પરિવારને છેતરતો ભેજાબાજ ઠગ:ક્યારેક ફૂડ ઓફિસર તો ક્યારેક જેલર તરીકે વાત કરતો, આરોપીઓના સગાસંબંધીઓના નંબર મેળવવા વકીલ બની પોલીસ સાથે વાત કરતો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક જ વ્યક્તિ અલગ-અલગ સમયે પોલીસ અધિકારી, મહેસૂલ અધિકારી, ફૂડ સેફ્ટી ઓફિસર અને જેલર બનીને અનેક લોકોને શીશામાં ઉતારી ચૂક્યો છે. મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા રાજેશ નરેન્દ્રભાઈ ત્રિવેદી નામના આ શખ્સ વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ 18 નવેમ્બર 2025ના રોજ વધુ એક ગુનો નોંધાયો છે. હાલમાં જ સચિન પોલીસ સ્ટેશન કેસના નકલી જેલર કેસમાં અમદાવાદ પોલીસે રાજેશની ધરપકડ કરી સચિનને સોંપ્યો છે. પોલીસ અધિકારી તરીકે રુઆબ બતાવી તોડપાણી કરતો
આરોપી રાજેશ ત્રિવેદી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે વેશ બદલવામાં અને અવાજ બદલીને સામેવાળાને વિશ્વાસમાં લેવામાં માહેર છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રાજેશ ત્રિવેદી માત્ર નકલી જેલર જ નથી બન્યો, પરંતુ ભૂતકાળમાં તેણે અલગ-અલગ સરકારી હોદ્દાઓના નામે લોકો સાથે મોટી છેતરપિંડી આચરી છે. આરોપી અગાઉ પોલીસની વર્દીનો રુઆબ બતાવી અથવા ફોન પર પોલીસ અધિકારી તરીકે વાત કરીને સામાન્ય નાગરિકોને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી ચૂક્યો છે. આરોપી સામે સુરત સિવાય અમદાવાદ અને અમરેલીમાં પણ ગુના
જમીન-મિલકતના કામોમાં અટવાયેલા લોકોને મહેસૂલ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી, કામ પતાવી આપવાના બહાને તેણે મોટી રકમો વસૂલી છે. હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને ત્યાં દરોડા પાડવાના બહાને અથવા સેમ્પલ ફેલ કરવાની ધમકી આપીને ‘ફૂડ સેફ્ટી ઓફિસર’ બનીને તોડપાણી કર્યાના બનાવો પણ તેના નામે બોલે છે. આરોપી વિરુદ્ધ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ અગાઉ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપીએ જસ્ટ ડાયલ પરથી અડાજણ પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો
આરોપીની ગુના કરવાની પદ્ધતિ અત્યંત શાતિર છે. સુરતના અડાજણ વિસ્તારમાં બનેલા બનાવમાં તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખુદ પોલીસને જ અંધારામાં રાખી હતી. આરોપીએ ‘જસ્ટ ડાયલ’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફોન કરી ફરજ પરના પીએસઓ સાથે વાત કરી હતી. અહીં તેણે પોતાની ઓળખ એક ‘વકીલ’ તરીકે આપી હતી. વકીલ તરીકેની ઓળખ આપી આરોપીના પરિવારના નંબર મેળવ્યા
પીએસઓને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, “અડાજણ પોલીસ સ્ટેશનમાં જે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે, હું તેમનો વકીલ બોલું છું. મારે તેમને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી માહિતીની જરૂર છે.” આમ કહીને તેણે ચાલાકીપૂર્વક પકડાયેલા આરોપીઓના સગા-સંબંધીઓના મોબાઈલ નંબર અને અન્ય વિગતો પોલીસ પાસેથી મેળવી લીધી હતી. એકવાર નંબર મળી ગયા પછી તે સીધો સગા-સંબંધીઓને ફોન કરતો અને પોલીસ કે જેલ અધિકારી બનીને પૈસાની માંગણી કરતો હતો. ‘મેં લાજપોર સેન્ટ્રલ જેલ સે સુપ્રિટેન્ડેન્ટ યુસુફ બોલ રહા હું’
આ સિરિયલ ચીટર વિરુદ્ધ તાજેતરમાં સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં રહેતા એક રેસ્ટોરન્ટ માલિકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત મુજબ, ઝાંપાબજારના તૈયબી મહોલ્લા, નુર પેલેસમાં રહેતા અને શાહપોરમાં ‘સુપર રેસ્ટોરન્ટ’ ચલાવતા મઝહરસાબ કમરસાબ સૈયદ (ઉ.વ. 37) ના સાળા સલમાન હાલ કોઈ ગુનાના કામે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ છે. ગત તારીખ 16મીના રોજ સવારે 11 વાગ્યે મઝહરસાબ પોતાના ઘરે હતા ત્યારે અચાનક એક અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાની સાથે જ સામેવાળી વ્યક્તિએ હિન્દીમાં રોફ જમાવતા કહ્યું, “મેં લાજપોર સેન્ટ્રલ જેલ સે સુપ્રિટેન્ડેન્ટ યુસુફ બોલ રહા હું.” જેલમાં ચા-નાસ્તો આપવા બદલ 7,000 રૂપિયાની માંગણી કરી
આરોપીએ આગળ કહ્યું કે, “આપ કે સાલે સલમાનને મુજે આપકા નંબર દિયા હૈ ઔર બોલા હૈ કી મેરે જીજાજી કો બોલ દેના કી કોઈ ફિકર ના કરે, હમને ઉસકો ટિફિન ચાલુ કર દિયા હૈ.” જ્યારે મઝહરસાબે પૂછ્યું કે, આ બધું કોના કહેવાથી કર્યું? ત્યારે આરોપીએ લાગણીનો ખેલ રમતા કહ્યું, “મેં અપને જ્ઞાતિ બંધુઓ કે લિયે યે કરતા હું ઔર અપને જ્ઞાતિ વાલા સમાજ કે લિયે યે કામ કર રહા હું.” આમ કહીને તેણે સલમાનને જેલમાં ચા-નાસ્તો, જમવાનું અને સારી સુવિધાઓ પૂરી પાડવાના બદલામાં ગૂગલ પે દ્વારા 7,000 રૂપિયાની માંગણી કરી હતી. ‘વંદે ભારત’ નામના ગૂગલ પે આઈડીનો ભાંડો ફૂટ્યો
આરોપીએ મઝહરસાબને કહ્યું કે, ગૂગલ પે પર ‘વંદે ભારત’ નામ આવશે, તેમાં પૈસા ટ્રાન્સફર કરી દેજો. જોકે, મઝહરસાબને શંકા જતા તેમણે સામેથી કહ્યું કે “હું તમને રૂબરૂ મળીને રોકડા આપી જાઉં?” આ સાંભળતા જ આરોપી ગભરાયો હતો અને તેણે રૂબરૂ મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે ફોન પર ગમે તેમ બોલીને ફોન કાપી નાખ્યો હતો. મઝહરસાબે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
બીજા દિવસે જ્યારે મઝહરસાબના મોટા સાળા જેલમાં સલમાનને મળવા ગયા અને પૂછપરછ કરી, ત્યારે સલમાને સ્પષ્ટ કર્યું કે તેણે કોઈ અધિકારીને નંબર આપ્યો નથી કે આવી કોઈ વાત થઈ નથી. આથી મઝહરસાબને ખાતરી થઈ ગઈ કે કોઈ અજાણ્યા ઈસમે જેલરની ખોટી ઓળખ આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ મઝહરસાબે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ નંબર અને ગૂગલ પે આઈડીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને આરોપી રાજેશ ત્રિવેદીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી. નાગરિકો માટે ચેતવણી
એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું, નાગરિકોને અપીલ કરી છે કે જેલમાંથી કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ અધિકારીના નામે ફોન આવે અને પૈસાની માંગણી કરે તો ક્યારેય ભરમાવું નહીં. સરકારી અધિકારીઓ ક્યારેય ફોન પર આવી રીતે પૈસા માંગતા નથી. આવા કોઈ પણ ફોન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *