સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરોની રોજી-રોટી પર સંકટ આવી પડ્યું છે. ખુલ્લેઆમ ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતાં-રડતાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને લેખિત રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે, પોલીસ ખોટી રીતે કલમ-151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી આપે છે અને નશાખોરોની ફરિયાદો એકતરફી સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે જેના પુરાવારૂપે તેમણે બનાવેલા વીડિયો પણ રજૂ કર્યા છે. પોલીસ ફોટોગ્રાફરોની ખોટી રીતે અટકાયત કરી છે
જિલ્લા કલેક્ટરને રજૂઆત કરનાર ફોટોગ્રાફરે ડુમસ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ પોલીસ સ્થાનિક લોકો સાથે મળીને તેમને ફોટોગ્રાફીનું કામ કરવા દેતી નથી. જ્યારે પણ તે બીચ પર જાય છે ત્યારે તે સ્થાનિક નથી તેમ કહીને તેમને ધંધો કરતા અટકાવવામાં આવે છે. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે, પોલીસ ફોટોગ્રાફરો વિરુદ્ધ ખોટી રીતે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે. ડુમસ બીચ પર લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરતા હતા
કેટલાક કિસ્સામાં ફોટોગ્રાફરોને ખોટા કેસ કરીને તડીપાર કરવાની ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ, બીચ પરના કેટલાક તત્વો સામે પણ આંગળી ચીંધી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ડુમસ બીચ પર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે તેમછતાં પોલીસ એકતરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે. 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર જવા ન દીધા
ફોટોગ્રાફરોને હેરાન કરવામાં આવતા હોય એવા વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સતત 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર કામ અર્થે જવા દેવામાં આવ્યા ન હતા. ફોટોગ્રાફર મુકેશ રાવલે કહ્યું કે, અમને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે. અમે ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલા લોકોના કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને 151 મુજબ અટકાયત કરી લેવાય છે. ફોટોગ્રાફર રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ એકતરફી વાત સાંભળીને અમારી પર દબાણ લાવે છે અને તડીપાર કરવાની ધમકી આપે છે. અમારે માત્ર શાંતિથી રોજગારી મેળવવી છે. રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેમને ડુમસ બીચ પર કાયદેસર રીતે કામ કરવા દેવામાં આવે. તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો
વધુમાં જણાવ્યું હતું કે, હું અહીં 25 વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છું. મારા ગામની જમીન મકાન બધું વેચીને અહીંનો સ્થાનિક બન્યો છું. પોલીસ કહે છે કે તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો. હું અહીંનો સ્થાનિક બની ગયો છું. છતાં પણ મને અહીં કામ કરવા નથી દેતા. ફોટોગ્રાફીનું કામ ચાલતા ચાલતા થાય એવું છે તો તેમાં શું લખાણ આપવાનું હોય. અમારી પાસે લખાણ માગવામાં આવે છે અને બીજા બધા ધંધા કરનાર પાસેથી પણ કોઈ લખાણ માગવામાં આવતું નથી.
ડુમસ બીચ પર ખુલ્લેઆમ નશાખોરી, VIDEO:ગાંજો ફૂંકીને ફોટોગ્રાફરને હેરાન કર્યો, ફરિયાદ કરે તો પોલીસ તડીપારની ધમકી આપતા હોવાનો આક્ષેપ; રડતા-રડતા કલેક્ટરને રજૂઆત
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
