હિંમતનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટર લલિત નારાયણસિંહ સાંદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનોના પુનર્વસવાટ અને કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણનો હતો. આ બેઠકમાં શસ્ત્ર સેના ધ્વજદિન 2024-25 દરમિયાન ફાળો આપનાર 30 દાનવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની 15 સરકારી કચેરીઓ, 4 અર્ધ સરકારી કચેરીઓ, 8 શાળાઓ, 1 બેંક ગ્રુપ, 1 ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને 1 વ્યક્તિગત દાતાનો સમાવેશ થાય છે. કલેકટરના હસ્તે તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કલેકટરે વર્ષ 2024-25 દરમિયાન સરકાર દ્વારા મળેલ લક્ષ્યાંક મુજબ ફાળો એકત્રિત કરવામાં યોગદાન આપવા બદલ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચાલુ વર્ષ 2025-26 દરમિયાન પણ સાબરકાંઠા જિલ્લાને સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંકથી વધુ ભંડોળ જમા કરાવી સૈનિકો પ્રત્યે સન્માન અને તેમના પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરવા સૌને અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ, વર્ષ 2024-25 દરમિયાન કુલ 64 લાભાર્થીઓને રૂ. 21,93,050 ની સહાય ચૂકવવામાં આવી છે. આ લાભાર્થીઓમાં પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ અને આશ્રિતોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધિકારી, અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ સંસ્થાના અને વ્યક્તિગત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગરમાં સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ:શસ્ત્ર સેના ધ્વજદિનના દાતાઓનું સન્માન કરાયું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
