ધ્રાંગધ્રા ખાતે આવતીકાલે સવારે 7 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સરદાર @150 યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા પદયાત્રા માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. આ મેગા ઇવેન્ટના રૂટ અને વ્યવસ્થાપનનું નિરીક્ષણ આજે વહીવટી અધિકારીઓ અને આયોજન સમિતિના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. નિરીક્ષણ માટે ધ્રાંગધ્રાના ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય, મામલતદાર સહિત વહીવટી ટીમ જોડાઈ હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સહ-ઈન્ચાર્જ જીવણભાઈ ડાંગર અને રાજુભાઈ પટેલ, તેમજ ગ્રામ્ય મંડલ પ્રમુખ રીતુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યાત્રાના પ્રારંભથી લઈને સમાપન સુધીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ ટીમે સૌ પ્રથમ માર્ચના પ્રસ્થાન સ્થળ મોટા અંકેવાળીયા ગામની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ટીમે માર્ચના સમાપન સ્થળ નારીચણા ગામની મુલાકાત લીધી, જ્યાં માર્ચના અંતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા સ્થળ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. નિરીક્ષણ બાદ, ઉપસ્થિત મહાનુભાવોએ ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને યુનિટી માર્ચની સફળતા માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન સરદાર પટેલના આદર્શોને સમર્પિત, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી બની રહે તે માટે તંત્ર અને સમિતિ કટિબદ્ધ છે.
ધ્રાંગધ્રામાં આવતીકાલે "સરદાર @150 યુનિટી માર્ચ"નું આયોજન:મોટા અંકેવાળીયાથી નારીચણા સુધી પદયાત્રા યોજાશે, અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
