સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં આજે એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા સાંસદ જશવંતસિંહ ભાભોરના વડપણ હેઠળ યોજાઈ હતી. પદયાત્રા સરદાર પટેલ સર્કલથી શરૂ થઈ અવંતિ ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રાના પ્રારંભે મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. માર્ગમાં નગરજનોએ પુષ્પવર્ષા કરીને પ્રતિમાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો છે. તેમણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને એક થઈને આગળ વધવા અને જીવનમાં એકતા, રાષ્ટ્રસેવા તેમજ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને અપનાવવા હાકલ કરી હતી. ધારાસભ્ય બચુ ખાબડે કહ્યું હતું કે, સરદાર પટેલ માત્ર એક નેતા જ નહીં, પરંતુ અખંડ ભારતના શિલ્પી હતા. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવીને સરદારને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે. વિકસિત ભારત માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો અત્યંત જરૂરી છે. પદયાત્રાના અંતે, ઉપસ્થિત તમામ લોકોએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પક્ષના સંગઠન પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ પદયાત્રામાં જોડાયા હતા.
દેવગઢ બારીયામાં સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રા:મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો, એકતાનો સંદેશ અપાયો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
