વડોદરાઃ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કિટ કમિશન લઇને ઉપરના એજન્ટને મોકલવાના પ્રકરણની તપાસમાં મુખ્ય એજન્ટ મનાતા ભરૃચના અનિસનો હજી પત્તો લાગતો નથી.
પંદિર દિવસ પહેલાં જે પી રોડ પોલીસે તાંદલજાના એજાજ અરબને ઝડપી પાડી તેની પાસે ૨૩ બેન્ક ખાતાની પાસબૂક,ચેકબૂક અને ૨૬ ડેબિટ કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.પૂછપરછ દરમિયાન એજાજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં ઓછું ભણેલા લોકોને કંપનીના સંચાલક તરીકે ઓળખ આપી કમિશનની ઓફર કરીને બેન્ક એકાઉન્ટની કિટ લેતો હોવાની માહિતી બહાર આવી હતી.નાહિદ,અજહર અને ફરહાન પાસેથી પણ કિટ લીધી હોવાની માહિતી ખૂલી હતી.
ઉપરોક્ત પાસબૂક ભરૃચના અનિસ ઉસ્માન કાની ને આપવા માટે રાખી હોવાની માહિતી મળતાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ બેન્ક એકાઉન્ટના ષડયંત્રની આશંકા મજબૂત બની હતી.
