પંચમહાલમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કામગીરી:462 આરોપીઓના ચેકિંગની ઝુંબેશ શરૂ, 100 જેટલા ઇસમોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૪૬૨ આરોપીઓના ચેકિંગ અને વેરિફિકેશન માટે પોલીસે એક વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલા વિશેષ આદેશના આધારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સ્તરે મળેલી સૂચના અનુસાર, છેલ્લા 30 વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત દાખલ થયેલા તમામ ગુનાઓના આરોપીઓનું 100 કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશને અનુરૂપ પંચમહાલ જિલ્લામાં પણ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. પંચમહાલ-દાહોદ-મહીસાગર રેન્જ આઇજી આર.વી. અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનામાં છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કુલ 462 આરોપીઓનું તાત્કાલિક ચેકિંગ કરવાનો સમાવેશ થાય છે. આ સૂચના મુજબ, પંચમહાલ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં આશરે 100 જેટલા ઇસમોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કર્યું છે. બાકીના આરોપીઓની તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં શાંતિ-સુવ્યવસ્થા જાળવવાનો અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાથવાનો છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ ફરી ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલો જોવા મળશે તો તેના સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રએ એમ પણ જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી નિયમિત રીતે કરવામાં આવશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *