અઢી વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો:દમણના દરિયામાં ટૂરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન, કરોડોની જમીનના ગુનામાં વચગાળાના જામીન પર ફરાર હતો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દમણના દરિયામાં જીવના જોખમે છેલ્લા અઢી વર્ષથી ફરાર ચાલી રહેલા એક વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. સુરતની અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં કરોડોની જમીનના ચીટિંગના ગુનામાં સંડોવાયેલો અને લાજપોર જેલમાંથી વચગાળાની રજા પર ફરાર થયેલો આરોપી અરવિંદ ઉર્ફે શીલા કાનજી માછી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીને પકડવા ટૂરિસ્ટ બનીને ત્રણ દિવસ દરિયામાં વોચ ગોઠવી
ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આરોપીને પકડવા માટે એક અનોખી રણનીતિ અપનાવી હતી. ટીમે દમણમાં જઈને પોતાને પ્રવાસી તરીકે રજૂ કર્યા અને મોટી દમણથી ભાડેની બોટ લઈને નાની દમણ સુધીના દરિયામાં ફરવાના બહાને સતત ત્રણ દિવસ સુધી વોચ ગોઠવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી અરવિંદ ટંડેલ કૃપાલી સાગર નામની બોટમાં માછીમારી કરીને જેટી પર આવવાનો છે. આ માહિતીના આધારે, ત્રીજા દિવસે સ્ટાફ ભાડેની બોટમાં જ દરિયામાં વોચમાં ગોઠવાઈ ગયો. જોકે, આરોપી અરવિંદ એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા માટે તેણે બોટને જેટી પર લાવવાને બદલે જેટીથી લગભગ 20 ફૂટ દૂર દરિયાના પાણીમાં જ ઊભી રાખી દીધી હતી. આ જોખમી પરિસ્થિતિમાં પણ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે હિંમત ન હારી અને ભાડેની બોટમાં દરિયામાં જઈને આરોપીને ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. ફરાર આરોપીનું ‘ડબલ લાઇફ’ અને ગુનાહિત ઇતિહાસ
અરવિંદ ટંડેલ લાજપોર જેલમાં બંધ હતો. તે 9મી માર્ચ, 2023થી 28મી માર્ચ, 2023 સુધી પુત્રીની સારવાર માટે 20 દિવસની વચગાળાની રજા પર બહાર આવ્યો હતો. રજા પૂરી થયા બાદ જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો અને દમણના દરિયાઈ વિસ્તારોમાં છુપાયેલો હતો. પોલીસથી બચવા માટે અરવિંદે અઢી વર્ષ સુધી પોતાનું આખું જીવન દરિયા પર કેન્દ્રિત કરી દીધું હતું. તે પોતાની બોટમાં અન્ય 18 માછીમારોને સાથે રાખીને સતત 17 દિવસ સુધી દરિયામાં માછીમારી કરવા નીકળી જતો હતો. આ સમયગાળા દરમિયાન તે લાખોની કમાણી પણ કરતો હતો. 17 દિવસ પછી તે માત્ર 2-3 દિવસ માટે ઘરે આવતો હતો. આ ટૂંકા ગાળામાં પણ તે દિવસ દરમિયાન દરિયામાં ફરતો રહેતો અને માત્ર રાત્રે જ પરિવારને મળવા જતો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે. અરવિંદ ટંડેલ 2022માં અઠવાલાઇન્સ પોલીસમાં દાખલ થયેલા ત્રણ ચીટિંગના ગુનાઓમાં વોન્ટેડ હતો. તેણે રૂપિયાની લાલચમાં નાનપુરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રેકર્ડ સાથે ચેડાં કરીને કરોડોની જમીનના ત્રણ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. આ ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી હતી, જેના કારણે તે જેલમાં હતો અને ત્યાંથી ફરાર થયો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *