
Ahmedabad News: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસેના ગુરુકૃપા એસ્ટેટમાં એક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
