ગોધરામાં પોલીસના ત્રણ સ્થળોએ દરોડા:સ્ક્રેપ દુકાન, હોટલ અને જુગારધામ પર કાર્યવાહી; શહેરા તાલુકાના વલ્લભપુર ગામે હુમલાનો બનાવ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસ કાર્યવાહી અને મારામારીના બનાવો સામે આવ્યા છે. ગોધરા શહેરમાં પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી છે, જ્યારે શહેરા તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં જમાઈ પર હુમલો થયો છે. ગોધરા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા જાહેરનામા ભંગ બદલ બે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોઠી ત્રણ રસ્તા પાસે આવેલી ‘નસીબ ઓટો સ્ક્રેપ’ દુકાનમાં તપાસ કરાઈ હતી. દુકાન સંચાલક અહેમદઅલી નિશાર અહેમદ ગાજી પાસે વાહનોની લેવડ-દેવડનું રજીસ્ટર ન મળતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક બનાવમાં, વેજલપુર રોડ પર આવેલી ‘લક્કી હોટલ’માં તપાસ કરતા ત્યાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળ્યો હતો. સુરક્ષાના કારણોસર જાહેરનામું હોવા છતાં નિયમ ભંગ કરવા બદલ હોટલ સંચાલક ઇબ્રાહિમ અબ્દુલ સલામ દાવલા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત, ગોધરા એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવરચના સ્કૂલ પાછળ મેસરી નદીના પટમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે સુલેમાન વલિયા, સદ્દામ શેખ, જીતેન પ્રજાપતિ, ઈકબાલ ભીખા, અબ્દુલ શેખ અને ઝહીરખાન પઠાણ નામના છ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.12,070 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરા તાલુકાના વલ્લભપુર ગામે હુમલાનો બનાવ બીજી તરફ, જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે હુમલાનો બનાવ બન્યો છે. ફરિયાદી પ્રદીપકુમાર કાન્તીભાઈ માછીના ઘરે તેમના સસરા અને સાસરી પક્ષના સભ્યો પંચ લઈને આવ્યા હતા. પત્ની અંજનાબેનના રિસામણા અને ચાલતા કોર્ટ કેસના સમાધાન બાબતે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવેલા સાસરીયાઓએ પ્રદીપકુમારને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન, આરોપીઓએ પ્રદીપકુમારની દુકાનના ડ્રોવરમાંથી કોર્ટ કેસની આઠ ફાઈલો અને એક મોબાઈલ ફોન પણ ચોરી લીધા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમની પત્નીના પ્રેમ પ્રકરણ અને કોર્ટ કેસના દબાણને કારણે આ હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત પ્રદીપકુમારે શહેરા પોલીસ મથકે કનુભાઈ શનાભાઈ માછી સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *