15 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડાના જોબાળા ગામે રહેતી 23 વર્ષીય યુવતી રાણપુર ખાતેની ફેકટરીમાં કામે જતી હતી. ત્યારે ગામમાં જ તેની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જેણે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપીએ જણાવ્યું કે, આ યુવતીને મારો પુત્ર કે જે આર્મીમાં છે તેની સાથે અફેર હતું. યુવતી રોજ ઘરે આવી ઝગડો કરતી હતી જેથી મને ગુસ્સો આવ્યો અને મે શરીર પર 36 ઘા ઝીંકી તેને પતાવી દીધી. શું છે સમગ્ર મામલો?
આ અંગે મળતી માહિતી મુજબ ચૂડા તાલુકાના જોબાળા ગામે રહેતા હેતલ જુવાલીયાને 4 વર્ષ પહેલા ગામના અને હાલ આર્મીમાં ફરજ બજાવતા યુવાન સંજય બચુભાઈ લીંબડીયા સાથે આંખ મળી ગઈ હતી. સંજય અને યુવતી હેતલ બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા. ત્રણ વર્ષ પહેલા યુવતીએ એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જોકે, આ બન્નેના લગ્ન યુવકના પરિવારજનોને મંજૂર ન હોવાથી આજથી બે વર્ષ પહેલા યુવક સંજયે એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. યુવક પરિણીત હોવા છતાં યુવતી સાથે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો
સંજય પરિણીત હોવા છતાં ગામની જ યુવતી હેતલ સાથે તેણે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. આ વાતની જાણ સંજયની પત્નીને થતાં તેણે વિરોધ કર્યો હતો. જેથી બન્ને વચ્ચે ઝગડો પણ થયો હતો. જે બાદ સંજય અને તેની પત્નીએ છુટ્ટાછેડા લીધા હતા. યુવતીએ સંજયના ઘરે રહેવા જવાની જીદ કરી
બીજી તરફ સંજયના છુટ્ટાછેડા બાદ હેતલ સંજયના ઘરે રહેવા જવાની જીદ કરતી હતી. યુવતી હેતલને બીજે કયાંય લગ્ન કરવા ન હતા, અને સંજયે તેને સાથે રાખવાની વાત કરી હતી, પરંતુ તે આર્મીમાં ફરજ બજાવતો હોઈ નોકરી પર જતો રહ્યો હતો. સંજયના પરિવારજનોને આ સબંધ મંજૂર ન હોઈ તેના પિતા બચુ વશરામભાઈ લીંબડીયા અવારનવાર હેતલના ઘરે આવતા હતા અને મારા દિકરાને મુકી દે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા હતા. યુવકના પિતાએ છરીના ઘા ઝીંકી યુવતીને પતાવી દીધી
યુવકના પરિવારજનોએ હેતલને ન સ્વીકારતા હેતલ તેની માતા સાથે જ રહેતી હતી અને રાણપુરની એક કંપનીમાં નોકરી કરતી હતી. તા. 15મીના રોજ સવારે તે નીત્યક્રમ મુજબ ટીફીન લઈને રાણપુર નોકરીએ જવા નીકળી હતી. ત્યારે ગામની બજારમાં જ યુવકના પિતાએ તેની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવને પગલે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી, ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતનો પોલીસ કાફલો જોબાળા દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી હત્યાની ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ ગુનો કબૂલ્યો
પોલીસે આ મામલે યુવક સંજયના પિતા બચુ લીબડીયાને ઝોબાળાની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. ચુડા પોલીસે આરોપીને ઝડપી ચુડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, હું એટલો ગુસ્સામાં હતો કે, મેં યુવતી પર આડેધડ છરીના 36 ઘા ઝીંકી ગામ વચ્ચે તેનું ઢીમ ઢાળી દીધું હતું. વધુમાં મારો પુત્ર આર્મીમાં હોવાથી નોકરીએ હતો, અને આ યુવતી રોજ સવારે અમારા ઘરે આવી ઝગડા કરતી હતી, આથી એ દિવસે મારો પિત્તો ગયોને, મેં છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી એને પતાવી દીધી હતી. આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ચુડા પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે DYSPએ શું કહ્યું?
આ અંગે લીંબડી DYSP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ચુડા તાલુકાના જોબાળા ગામે એક બનાવ બન્યો હતો. જેમાં હેતલબેન ચુવાલીયાની હત્યા ગામની સ્કૂલની બાજુમાં ગલીમાં થઈ હતી. આ બેનની હત્યાના અનુસંધાને એની માતા ગીતાબેન ભુપતભાઇ ચુવાલીયાએ ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનામાં એક આરોપી બચુ વશરામભાઇ લીંબડીયાનું નામ ફરિયાદ તરફથી આપવામાં આવ્યું હતું અને પોલીસ તપાસમાં પણ આ જ વ્યક્તિએ બનાવને અંજામ આપેલો હોઈ એનું નામ ખુલ્યું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
વધુમાં જણાવ્યું કે, આ વ્યક્તિની તપાસ કરતા આજુબાજુના તમામ વિસ્તારો અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સર્ચ કરતા મંગળવારે સાંજના સમયે આ બચુભાઈ વશરામભાઇ લીંબડીયાની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ એની પ્રાથમિક પુછપરછ કરી આગળ વધુમાં વધુ પુરાવાઓ એકઠા કરવા તજવીજ હાલમાં ચાલુ છે. બુધવારે આરોપી બચુને કોર્ટ સમક્ષ હાજર કરી એમના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરાશે.
'એટલો ગુસ્સો કે યુવતીના શરીર પર 36 ઘા ઝીંકી દીધા':અફેરથી નારાજ આર્મી યુવકના પિતાએ ગામ વચ્ચે જ યુવતીને રહેંશી નાખી, પોલીસને કહ્યું- 'રોજ ઘરે આવી ઝગડો કરતી'
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
