
જેતપુર નજીક ઓવરબ્રિજ પર દીવાલ સાથે કારની ધડાકાભેર ટક્કર
ફૂલ સ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે પુલની પ્રોટેક્શન વોલ સાથે અથડાયેલી કારના બે ટૂકડાં થઈ ગયા, એક યુવાન ગંભીર
જેતપુર,જેતલસર: જૂનાગઢની ભવનાથની તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળાની મોજ માણીને હસતા-રમતા પરત ફરી રહેલા જેતપુરના ચાર મિત્રો માટે આજે મહાશિવરાત્રિના પર્વની સવાર ગોજારી સાબિત થઈ હતી. જેતપુર નજીક જેતલસર જંકશનના રેલવે ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોડા કાર ધડાકાભેર પુલની પ્રોટેક્શન વોલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે મજબૂત ગણાતી સ્કોડા કારના બે ટૂકડા થઈ ગયા હતા. આ કરુણાંતિકામાં એક યુવતી અને બે યુવકો સહિત કુલ ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
