Ahmedabad News: પોર્ટરના નામે વાહનો ગીરવે મૂકવાનું કૌભાંડ, 14 વાહનો સાથે આરોપી ઝડપાયો

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ શહેરમાં વધુ એક વાર વિશ્વાસઘાત અને ઠગાઈની ચોંકાવનારી પદ્ધતિ સામે આવી છે. પોર્ટર (Porter) એપ્લિકેશનમાં વાહનો ભાડે ચડાવી દર મહિને ઉંચું ભાડું અપાવવાની લાલચ આપી લોકોના વાહનો ગીરવે મૂકી દેનારા આરોપીની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી લાખોની કિંમતના 13 બોલેરો અને 1 આઈસર વાહન રિકવર કર્યા છે.

ઉજાલા સર્કલ પર રચાતી ઠગાઈની જાળ

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી ઈકબાલભાઈ સિપાહી ભોળવાઈ જાય તેવા વાહન માલિકોને નિશાન બનાવતો હતો. તે વાહન માલિકોને ઉજાલા સર્કલ પાસે મળવા બોલાવતો અને વિશ્વાસમાં લેતો કે જો તેઓ પોતાની બોલેરો પિકઅપ તેને આપશે, તો તે પોર્ટર જેવી કંપનીમાં ભાડે ચડાવી આપશે. આરોપી વાહન માલિકોને દર મહિને રૂપિયા 30000 થી રૂપિયા 35000 સુધીનું ફિક્સ ભાડું અપાવવાની ખાતરી આપતો હતો.

ભાડે ચડાવવાને બદલે વાહનો ગીરવે મૂક્યા

આરોપી વાહન માલિકો પાસેથી વાહન લીધા બાદ તેને ભાડે ચડાવવાને બદલે અન્ય લોકો પાસે રૂપિયા 1 લાખ થી રૂપિયા 2 લાખ જેવી રકમોમાં ગીરવે મૂકી દેતો હતો. જ્યારે વાહન માલિકો સમયસર ભાડું માંગતા ત્યારે ઈકબાલ અવનવા બહાના બતાવી સમય પસાર કરતો હતો. જોકે, એક જાગૃત વાહન માલિકને શંકા જતા તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા આ આખું કૌભાંડ બહાર આવ્યું છે.

પોલીસ કાર્યવાહી

સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી ઈકબાલની ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન 14 જેટલા વાહનો રિકવર કર્યા છે. પોલીસને શંકા છે કે, આરોપીએ અન્ય કેટલાય લોકો સાથે પણ આ રીતે ઠગાઈ આચરી હોઈ શકે છે. હાલમાં આ મામલે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો – Ahmedabad:ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ, આગામી 48 કલાક બાદ ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *