Vadodaraમાં ‘તાલિબાની’ સજા: જેતલપુર વિસ્તારમાં પ્રેમ પ્રકરણની શંકાએ યુવકને જાહેરમાં ઢોર માર માર્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરતની હિંસક ઘટનાઓની યાદ તાજી કરાવતો એક કિસ્સો સંસ્કારી નગરી વડોદરામાં સામે આવ્યો છે. શહેરના જેતલપુર વિસ્તારમાં પ્રેમ પ્રકરણની શંકા રાખીને એક યુવકને જાહેરમાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી આ ઘટનામાં યુવકને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, એક યુવતી કોઈ ‘લેડી ડોન’ની માફક મિજાજમાં ઉભી છે અને તેની હાજરીમાં ત્રણ યુવકો એકલા પડેલા યુવક પર તૂટી પડે છે.

પ્રેમ પ્રકરણની શંકાએ ખેલાયો નિર્દયતાનો ખેલ 

આ ત્રણ શખસો યુવકને બેફામ ગાળો આપી લાફા ઝીંકે છે અને અત્યંત અપમાનજનક રીતે તેની પાસે જાહેરમાં ઉઠબેસ કરાવે છે. વીડિયોમાં દેખાતી યુવતીની શાંત ઉપસ્થિતિ અને યુવકોની આક્રમકતા જોઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આટલી ગંભીર અને જાહેર હિંસાની ઘટના હોવા છતાં, ચોંકાવનારી વિગત એ છે કે આ મામલે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વીડિયો વાયરલ થયા બાદ અને મામલો વણસે તે પહેલાં બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું.

યુવતીની હાજરીમાં યુવક પાસે ઉઠબેસ કરાવી

જોકે, આ પ્રકારની ‘તાલિબાની સજા’ અને જાહેરમાં કાયદો હાથમાં લેવાની વૃત્તિ સામે વડોદરા પોલીસ લાલ આંખ કરે તેવી જનતાની અપેક્ષા છે. હાલમાં વીડિયોમાં દેખાતા તમામ શખસો અજાણ્યા છે અને પોલીસ આ વાયરલ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. જેતલપુર જેવા ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે કે શું હવે વડોદરામાં પણ અસામાજિક તત્વોનો ફફડાટ ઓછો થઈ રહ્યો છે?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *