વલસાડ જિલ્લાના સૌથી વ્યસ્ત ગણાતા વાપીના ગુંજન વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા બાદ માનવતા નેવે મૂકી તેને અંદાજે 30 થી 40 મીટર સુધી રસ્તા પર ઘસેડ્યો હતો. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ ધ્રૂજી ઉઠે તેમ છે.
લોકોએ બૂમો પાડી ડમ્પર ઉભું રખાવ્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી શહેરના ગુંજન વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે એક ડમ્પર ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ડમ્પરના આગલા ટાયરમાં ફસાઈ ગયું હતું. ડમ્પર ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી અને યુવકને બાઈક સાથે 40 મીટર સુધી રોડ પર ઢસેડ્યો હતો. આ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. લોકોએ દોડીને ડમ્પરને અટકાવ્યું હતું.
ટાયર નીચેથી બાઈક કાઢ્યું, યુવકની હાલત ગંભીર
સ્થાનિક લોકોએ ડમ્પર ઉભું રખાવ્યા બાદ ભારે જહેમતથી ટાયર નીચે ફસાયેલા બાઈક અને લોહીલુહાણ હાલતમાં યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. લોકોના સમયસૂચકતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો, અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાપી જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ભરચક ગુંજન વિસ્તારમાં આ રીતે બેફામ વાહન ચલાવનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.
