Bharuch: આમોદમાં ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યુ છે. ત્યારબાદ નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના ઓચ્છણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી.

દુકાન સંચાલક ભૂપેન્દ્ર પટેલની અટકાયત

જેનાં અનુસંધાનમાં પોલીસને ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી મળી આવ્યા હતા. ટ્રેકટર નંબર GJ-16-BK-8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઇ શનાભાઈ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. આ ટ્રેક્ટરની પાછળ આવેલી ટ્રોલીમા ચોખાની થેલી- 28 નંગ તથા ઘઉંની થેલી- 19 નંગ, આમ કુલ થેલી નંગ- 47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર, ટ્રોલી તથા અનાજના માલિક ભુપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલે પૂછવામાં આવતા તેમને ગલ્લા તલ્લા કરીને ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. તેમજ અનાજનું કોઈ બીલ કે આધાર પુરાવો નહોતો. જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યુ હતું.

જેમાં ચોખા થેલી નંગ-28નું વજન 1378 કિ.ગ્રા તથા ઘઉંની થેલી નંગ-19 જેનું વજન 974 કિ.ગ્રા આમ કુલ થેલી નંગ-47 જેનું કુલ વજન 2352 કિ.ગ્રા થયુ હતું. જે એક કિલોના કિ.રૂ.30 લેખે કુલ કિ.રૂ. 70,560 અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું. તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિ.રૂ.5,00,000 ગણી કુલ.રૂ.5,70,560 મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વર શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આમોદ નાયબ પુરવઠા મામલતદારે રાત્રે પંચનામુ સહિત દુકાન સંચાલકના જવાબો લીધા

ગત રોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના 2352 કિ.ગ્રા અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રીના સમયે ઓચ્છણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામુ, હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી નહોતી, જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દિવેલાના ખેતરમાં છુપાવ્યું

આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેકટર ઝડપ્યા બાદ ચાલાક દુકાન સંચાલકે ટ્રેકટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હંફાવી દીધી હતી. દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના ટ્રેકટરના ડ્રાઈવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દીધું હતું. જો કે પોલીસે તે પણ શોધી કાઢ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *