Anjarમાં 'I Love Mohammad'ના બેનર પર લાગ્યું 'જય શ્રી રામ'નું પોસ્ટર, પોલીસ અને બ્લેક કમાન્ડોની શહેરભરમાં ફ્લેગ માર્ચ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છના અંજારમાં ધાર્મિક પોસ્ટરને લઈને ગંભીર વિવાદ સર્જાયો હતો. શહેરના દેવળિયા નાકા પાસે લગાવવામાં આવેલા ‘I Love મોહમ્મદ’ લખેલા બેનર પર ગઈકાલે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના પર ‘જય શ્રી રામ’ લખેલું પોસ્ટર લગાવી દેતાં બે સમુદાયો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટનાને કારણે શહેરમાં અશાંતિ ફેલાવવાનો ભય પેદા થયો હતો. વિવાદ વકરતો જોઈને અંજાર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

અંજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્યથી આજે પોલીસે વિવાદાસ્પદ બનેલું તે હોર્ડિંગ ઉતારી દીધું હતું. જેથી મામલો વધુ ગરમાય નહીં. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંજાર શહેરમાં તાત્કાલિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને બ્લેક કમાન્ડોની ટીમો દ્વારા સમગ્ર શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનો હેતુ લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવાનો હતો.

નાગરિકોને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ

આ સંવેદનશીલ મામલે પૂર્વ કચ્છ પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે. પોલીસે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. પોલીસ દ્વારા આ વિવાદાસ્પદ કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદો તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. શહેરમાં હાલ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *