ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર માટે આજે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલનું એક માર્ગ અકસ્માતમાં કરુણ નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા અંકલેશ્વરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ગંભીર અકસ્માત અડોલ-હજાર ગામ નજીક સર્જાયો હતો.
માર્ગ અકસ્માતમાં નિલેશ પટેલનું નિધન
નિલેશ પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કાર એક ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને નિલેશ પટેલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ નિલેશ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
અડોલ-હજાર ગામ નજીક અકસ્માતમાં નિધન
અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નિલેશ પટેલ અંકલેશ્વર નગરપાલિકામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે સક્રિય હતા અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે જાણીતા હતા. તેમના નિધનથી નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક કાર્યકરોમાં ગમગીની છવાઈ ગઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
