Bharuch News: પાનોલી હાઈવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારના ગાઢ ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી રહી છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પાનોલી નજીક આજે વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દ્રશ્યતામાં ઘટાડો થયો હતો. જે કારણે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર બે આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે.

દ્રશ્યતા ઓછી હોવાથી સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાનોલી હાઈવે પર આજે સવારે ભારે ધુમ્મસ હોવાને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. આ દરમિયાન એક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર બંને યુવાનો માર્ગ પર ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઈજાઓ જીવલેણ હોવાથી બંનેએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો.

મૃતકોની ઓળખ

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને મૃતક યુવાનો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના વતની હતા. મૃતકોના નામ સૂચિત વસાવા અને જ્યેન્દ્ર વસાવા હોવાનું સામે આવ્યું છે. યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ કાર્યવાહી

પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિયાળાની ઋતુમાં હાઈવે પર વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા અને વાહનની સ્પીડ મર્યાદિત રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Bharuch : દધેડા ગામમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અંકલેશ્વર કોર્ટે 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *