Aravalli News: એસટી બસ ડ્રાઇવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાંથી સમાજને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં જેમના પર મુસાફરોની સુરક્ષાની જવાબદારી છે, તેવા એક એસટી બસના ડ્રાઇવરે જ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે. એસટી બસમાં શાળાએ જતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી ડ્રાઇવરે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે.

પ્રેમજાળમાં ફસાવી આચર્યું પાપ

ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં એસટી બસમાં અભ્યાસ માટે જતી એક સગીરા પર ભાણમેરના એસટી ડ્રાઇવર વિજય ગામેતીની મેલી મુરાદ બગડી હતી. ડ્રાઇવરે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરા ડરના માર્યા આ વાત છુપાવી રહી હતી, પરંતુ આખરે હિંમત કરીને તેણે પોતાના માતા-પિતાને આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી અને ચકચાર

પરિવારે આ અંગે ત્વરિત ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિજય ગામેતી સામે દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી બસના ચાલક દ્વારા આ પ્રકારના શરમજનક કૃત્યને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનાએ મુસાફરોની, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો – Aravalli News: ભિલોડામાં દીપડાનો આતંક, કુદરતી હાજતે ગયેલા યુવક પર કર્યો હુમલો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *