Banaskantha News: શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના, ખજૂરિયા શાળામાં શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ – આ ઉક્તિને બનાસકાંઠાના એક શિક્ષકે લાંછન લગાડ્યું છે. આ શિક્ષકના હાથમાં પ્રલય અને નિર્માણ નહીં પણ જામ અને ચખનું જોવા મળ્યું હતું. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ખજૂરિયા પ્રાથમિક શાળામાં શનિવારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક શિક્ષક માર્ગદર્શકને સ્થાને ગેરમાર્ગે દોરનાર સમાન વર્તન કરતા નશાની હાલતમાં શાળામાં ફરજ બજાવતા ઝડપાયો છે.

ગ્રામજનોએ રંગેહાથ ઝડપ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખજૂરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજકુમાર નામનો શિક્ષક શનિવારે શાળાના સમયે દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. શિક્ષકને જોતા જ ગ્રામજનોને શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરતા તે ભાન ભૂલેલી હાલતમાં જ જણાયો હતો. ગામના જાગૃત નાગરિકોએ આ દ્રશ્યો જોઈ તાત્કાલિક 112 પોલીસ વાનને જાણ કરી હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ગ્રામજનોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં શિક્ષક નશામાં લથડિયા ખાતો સ્પષ્ટ નજરે પડે છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે, જે શિક્ષક પર બાળકોના ભવિષ્યની જવાબદારી છે, તે જ જો આવા નશાના રવાડે ચઢશે તો બાળકોને શું સંસ્કાર આપશે?

https://x.com/sandeshnews/status/2022606387071893622

પોલીસ કાર્યવાહી અને તંત્ર સામે સવાલ

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો શાળાએ પહોંચી ગયો હતો અને પીધેલા શિક્ષકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગની કામગીરી અને શિક્ષકોની શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે. વાલીઓ હવે આ નશાખોર શિક્ષક સામે કડક પગલાં ભરી તેને સસ્પેન્ડ કરવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Banaskantha News : એક જાજમ, એક રિવાજ, વાવ થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજનું સામાજિક બંધારણ ઘડાયું, લેવાયા આ મોટા નિર્ણયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *