બાયડ ગામ વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી શાક સમારતી માતા પાસે બેઠી હતી.
જેમાં અજાણતા વાલનો દાણો નાકમાં જતો રહ્યો હતો. બાળકીની સ્થિતી ગંભીર થતા પરિવાર ગભરાયો હતો. બાયડના જાણીતા તબીબ ડૉ. ઈશાની પટેલે એન્ડોસ્કોપની મદદથી ગણતરીની સેકંડોમાં બાળકીના નાકમાંથી વાલનો દાણો કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.
બાયડના દરબારગઢમાં રહેતા જીતેન્દ્ર પરમારની પાંચ વર્ષની દિકરી ગતરોજ સાંજે ઘરમાં માતા શાક સમારતી હતી ત્યારે સાથે બેસીને મદદ કરતી હતી. વાલોળનું શાક સમારતી વખતે બાળકીએ અજાણતા રમત રમતમાં વાલનો દાણો નાકમાં મુક્યો અને બહાર કાઢવાના પ્રયાસમાં અંદર જતો રહ્યો હતો. અજાણતા થયેલી આ ભૂલ બાળકીને ભારે પડી હતી. થોડી જ વારમાં શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા પરિવાર ગભરાયો હતો. માતાએ નાકમાંથી દાણો બહાર કાઢવા કરેલા પ્રયાસથી દાણો નાકની વધુ અંદર જતો રહ્યો હતો. સ્થિતી ગંભીર બનતા પરિવાર બાળકીને લઈને બાયડની કેશવ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ દોડયો હતો. જ્યાં ઈએનટી સર્જન ડૉ. ઈશાની પટેલે બાળકીની ગંભીર સ્થિતી જોઈને તર્તજ તેને ઓપરેશન ટેબલ પર લીધી હતી. એન્ડોસ્કોપની મદદથી નાકમાં ઉંડે સુધી ઉતરી ગયેલા વાલના દાણાની પોઝીશન જોઈ ગણતરીની સેકંડોમાં જ તેને બહાર કાઢી નાખ્યો હતો. જો બાળકીને લાવવામાં થોડો વધુ સમય ગયો હોત તો સ્થિતી ગંભીર બને તેમ હતી. તબીબે સમયસર ઝડપી સારવાર આપી બાળકીનું જીવન બચાવી લીધુ હતુ. ડૉ. ઈશાની પટેલે જણાવ્યું કે આ કિસ્સામાં નેઝલ એન્ડોસ્કોપીની મદદથી નળી નાકમાં નાખી ફોટોગ્રાફી કરી અંદર ફસાયેલી વસ્તુની સ્થિતી જાણી હતી. બાદમાં તેને એન્ડોસ્કોપની મદદથી બહાર કાઢી લઈ બાળદર્દીને રાહત આપી હતી. તબીબની સમયસૂચકતાથી બાળદર્દીનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.
