Bahucharaji : વડોદરાના રાજવીએ માતાજીને આપેલો 300 કરોડનો અતિ મુલ્યવાન નવલખો હાર પહેરાવાયો, માતાજીને અપાયું ગાર્ડ ઓફ ઓનર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભવવામાં આવી હતી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો હતો. આ હાર વર્ષમાં માત્ર બે જ દિવસ, દશેરા અને બેસતા વર્ષે જ માતાજીના શણગારની શોભા વધારે છે.

 માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો

સુપ્રસિદ્ધ શક્તિપીઠ મહેસાણાના બહુચરાજી સ્થિત મા બહુચરાજીના મંદિરે આજે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આજે હાર પહેરાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. મુખ્ય મંદિરથી આ યાત્રા સમી વૃક્ષ સુધી નીકળી, જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું.

અંદાજિત કિંમત 300 કરોડ

આ હારની વિશેષતા એ છે કે તેની અંદાજિત કિંમત 300 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે, અને સુરક્ષાના કારણોસર તે વર્ષમાં માત્ર આ બે જ પર્વે બહાર આવે છે.

રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1783માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું આ ભવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1783માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરોમાં માતાજીને નીતનવીન શણગાર કરવાની પ્રથા ગાયકવાડ સમયથી ચાલી આવે છે, પણ આ તમામમાં નવલખો હારનું સ્થાન સર્વોપરી છે.

હાર પણ વર્ષો પહેલાં માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે

આ હાર પણ વર્ષો પહેલાં માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી દર વર્ષે દશેરા અને બેસતા વર્ષે આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા અવિરત ચાલે છે.

માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જતાં તેમણે માતાજીને આ હાર ભેટ આપ્યો હતો

નવલખા હારના ઇતિહાસ પર નજર કરીએ તો, લગભગ ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જતાં તેમણે માતાજીને આ હાર ભેટ આપ્યો હતો. તે સમયે તેનું મૂલ્ય નવ લાખ રૂપિયા હતું, જેથી તે નવલખો હાર તરીકે ઓળખાયો. સમય જતાં આ હારનું મૂલ્ય આજે ₹૩૦૦ કરોડથી વધુનું થયું છે.

હારમાં જડાયેલા પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં

આ હાર પ્રથમ નજરે ભલે સામાન્ય લાગે, પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર નજીકથી જોનારને અચંબિત કરી દે છે. હારમાં જડાયેલા પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણોસર જ આ હાર આખું વર્ષ સલામત સ્થળે રાખવામાં આવે છે. દશેરાના દિવસે મંદિરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જ તેને માતાજીના શણગારમાં લેવાય છે.

માતાજીને ગાર્ડ ઓફ ઓનર અપાય છે

જ્યારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાય છે, ત્યારે આ નવલખો હાર જોઇને ભક્તો માટે તે એક અનોખી અને યાદગાર ક્ષણ બની જાય છે.

મા બહુચરનું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું

દેવી-દેવતાઓના ચરણે ભેટ ધરાવવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પૈકીની એક આ નવલખો હાર બહુચરાજી મંદિરને પ્રાપ્ત થયેલ છે. આ જ કારણે બહુચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઈ છે, અને મા બહુચરનું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *