મા બહુચરમાં શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી ઉમટી પડયા હતાં. માઈભકતો હાથમાં ધજા અને મુખમાં માના નામ સાથે મંદિરના ચાચરચોકમાં પ્રવેશ કરતાં માનું ધામ ગુંજી ઉઠયું હતું.
નાચતાં ગાતા અને માતાજીના નામના જયઘોષ કરતાં માઈભકતોના કારણે માતાજીના ચાચરચોકમાં અલૌકિક વાતાવરણ ઉભુ થવા પામ્યું હતું.સવારની મંગળા આરતીમાં અને સાંજની આરતીમાં બહુ મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાતાં આરતી સોળેકળાએ ખીલી ઉઠી હતી.પૂનમના દિવસે મંદિરના શિખર પર ધજા ચડાવવાનું ખૂબ મહત્વ હોવાના કારણે માઈભકતો મંદિરના શિખર પર ધજા ચડાવી ધન્યતાની લાગણી અનુભવતાં જોવા મળ્યાં હતાં.
સવારથી માતાજીના દર્શન માટે શરૂ થયેલ ભાવિક ભકતોનો પ્રવાહ મોટી રાત સુધી અવિરત જોવા મળ્યો હતો. પૂનમની રાત્રે 9:30 કલાકે નગરચર્યાએ નીકળેલી માતાજીની પાલખીમાં બહુ મોટી સંખ્યામાં જોડાયેલાં શ્રદ્ધાળુઓ મા બહુચરના જયઘોષ કરતાં માનું ધામ ગુંજી ઉઠયું હતું.
