કોંગ્રેસ નેતા વિક્રમ માડમે પક્ષપલટાને લઈને શાસક પક્ષ પર પ્રહાર કર્યા. વિક્રમ માડેમે કહ્યું કે ભાજપ પાસે જાન છે પણ વરરાજા નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થતાં જ સ્થાનિક સ્તરે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈને હવે ફરી ભાજપ અને કોંગ્રેસ પક્ષ સક્રિય થતાં પક્ષ પલટા અને દોષારોપણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
ચૂંટણીનો જંગ જાનૈયા અને વરરાજા સુધી પહોંચ્યો
રાજ્યમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. અને હવે ચૂંટણીનો જંગ જાનૈયા અને વરરાજા સુધી પહોંચ્યો. કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ પાસે જાન છે પણ વરરાજા નથી. અને એટલે જ વરરાજા કોંગ્રેસમાંથી ગોતવા પડે છે. કાર્યકરો અને નેતા ભાજપમાં એટલા માટે જોડાય છે કેમકે ત્યાં લીલી વાડી છે અને મલાઈદાર માવો ખાવો મળશે. વધુમાં ભાજપ પર નિશાન સાધતા વિક્રમ માડમ કહે છે કે ભાજપને પોતાના જ કાર્યકર્તા પર ભરોસો નથી. એટલે વરરાજા કોંગ્રેસ માંથી ગોતવા પડે છે. મહત્વનું છે કે ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા અને ખેડાના કપડવંજમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં સામેલ થતાં કોંગી નેતા વિક્રમ માડમે આ નિવેદન આપ્યું.
પક્ષપલટાની મોસમ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ફરી રાજ્યમાં પક્ષપલટા અને તું જા…મેં..આયાની મોસમ આવી. કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જો વિચારધારા પર લોકો પક્ષપલટો કરતો હોય તો પછી કેમ ભાજપ પોતાની વિચારધારા ધરાવનાર તેમના કાર્યકર્તાને ચૂંટણીમાં કેમ ઉભા રાખતા નથી. કોઈપણ ચૂંટણી આવતા ભાજપ ફક્ત જે -તે વિસ્તારના સ્થાપિત અને લોકપ્રિય નેતાને પોતાના પક્ષમાં સામેલ કરવા ધમપછાડા કરે છે. ભાજપ પાસે સત્તા છે તેથી પોતાના સત્તા જોરે નેતાઓને દબાવવા, પછાડવા અને ધમકાવી કોઈપણ રીતે પક્ષપલટો કરાવે છે.
વિક્રમ માડમ
નોંધનીય છે કે કોંગ્રેસ નેતા વિક્રમ માડમ વર્ષોથી પક્ષમાં સક્રિય છે. 2004 અને 2009માં કોંગ્રેસના સાંસદ રહેલ ભાણવડ અને ખંભાળિયાના વિક્રમ માડમ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષોથી કોંગ્રેસની સાથે રહેનાર વિક્રમ માડમને હરાવવા ભાજપે રણનીતિ ઘડતાં 2014માં તેમની જ ભત્રીજી પૂનમ માડમને ટિકિટ આપી.વિક્રમ માડમ 2014માં ચૂંટણી હારી જતાં 2019માં કોંગ્રેસે મૂળુ કંડોરિયાને ટિકિટ આપી હતી. જો કે થોડા સમય પહેલા તે પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ, જે કોંગ્રેસ નેતા સ્થાનિક સ્તરે વધુ લોકપ્રિય થાય છે ત્યારે ભાજપ તેમની લોકપ્રિયતા વટાવવા યેનકેન રીતે એ નેતાને પોતાના સામેલ કરી દે છે તેવો વિક્રમ માડમ દ્વારા આક્ષેપ કરાયો હતો. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં ફરી રાજકીય માહોલ ગરમાયો છે અને પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે.
