બોડેલી તાલુકાના પીઠા ગામે વન્યપ્રાણી દીપડાની હાજરીને કારણે ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. ગામની સીમમાં એક વાડામાં બાંધેલી વાછરડી પર દીપડાએ અચાનક હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીઠા ગામના ભારત ચંદુ બારિયાએ વાડામાં બાંધેલી વાછરડી ઉપર મોડી રાતે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ વાછરડીનું મારણ કર્યા બાદ તેને આશરે 300 મીટર સુધી ઘસડીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે લોહીના ડાઘ અને ખેંચાયાની નિશાનીઓ જોવા મળતાં દીપડાની હાજરી સ્પષ્ટ થઈ હતી. આ ઘટનાથી પીઠા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા પશુપાલકોમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનોનો જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી છે. જેના કારણે પશુઓ ઉપરાંત માનવજીવનને પણ જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવે અને દીપડાને પકડી સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવા માગ કરાઇ છે.
