ચલાલા: યુવાનોને શરમાવે તેવા રતીદાદાએ કર્યું અનોખુ સેવાકીય કાર્ય

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • 20 વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે સેવા
  • રતીદાદાએ હોસ્પિટલ ખોલી લોકોને મફત સારવાર આપી
  • સામાજિક આગેવાનોનો પણ બહોળો સહકાર મળ્યો

‘હિરો’ નામ સાંભળતા જ આપણને એક યંગ અને હેન્ડસમ ચહેરો નજર સામે આવી જાય છે. પરંતુ ના એવુ જરૂરી નથી કે ‘હિરો’ એટલે યુવાન જ હોય. આજે તમને રીયલ લાઈફના એક ‘હિરો’ ની વાત કરવી છે જે વયોવૃદ્ધ છે. અને રૂપેરી પરદા પર નહી પરંતુ જમીન પર રહીને કામ કરે છે.

આ વિસ્તારના અસલી હિરો કહી શકાય

અંશાવતાર શ્રી દાનગીગેવની ભુમી એટલે અમરેલી જીલ્લાનું ચલાલા. આ ભુમી પર અનેક સંતો મહંતો થયા જેમણે ચલાલાની ધરતીને પાવન કરી છે. આ ધરતીનો પ્રભાવ આજે પણ એટલો જ છે. ચલાલા શહેરમાં ધારી રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર અને ત્યાં સેવાકીય કામ કરતા રતીદાદા. ચલાલાની ભાગોળે આવેલા ગાયત્રી મંદિરના સંચાલક અને ઉપાસક રતીદાદા છે. આ વિસ્તારના અસલી હિરો કહી શકાય.

20 વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ

રતીદાદાની ઉમર 60થી વધુ છે. પરંતુ આજે પણ તેઓ 20 વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે વર્ષોથી કામ કરે છે. રતીદાદા દ્વારા આ વિસ્તારના લોકોને મફત સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ચલાવે છે. સાવ નજીવા દરે ઉતમ શિક્ષણ મળી રહે તે માટે બાલ મંદિરથી લઈને હાઈસ્કૂલ સુધીનુ શિક્ષણધામ પણ ચલાવે છે. આ સિવાય વૃધ્ધાશ્રમ, દર વર્ષે સમુહ લગ્ન, જરૂરીયાતમંદ પરિવારને રાશન કીટ વિતરણ સહિતની પ્રવૃતિ કરે છે. આ વિસ્તારના લોકો માટે રતીદાદા કોઈ મસીહાથી જરાય કમ નથી.

સામાજિક આગેવાનોનો પણ બહોળો સહકાર મળ્યો

રતીદાદા વર્ષોથી આ પ્રકારની સેવાઓ અવિરત કરી રહ્યા છે. જેમા સામાજિક આગેવાનોનો પણ બહોળો સહકાર તેમને મળી રહે છે. રતીદાદા દ્વારા જે સેવાકીય કાર્ય થઈ રહ્યા છે તેના કારણે આ વિસ્તારનાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુબ મોટો ફાયદો થાય છે. ત્યારે આ વિસ્તારમાં 60 વર્ષની ઉંમર ધરાવતા રતીદાદા આ ઉંમરે યુવાનો જેવી સ્ફૂર્તિ સાથે સેવાકીય કાર્ય કરી રહ્યાં છે. અને આ સમયમાં મોંઘવારીના માર વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને થતા ફાયદાઓથી રતીદાદાનું અહીં માન પણ ખૂબ સારું છે. પરદા પર ઢીશુમ ઢીશુમ કરતા બનાવટી ‘હિરો’ ને જોઈ હરખાતી આજની યુવાપેઢી ક્યારેક રતીદાદા જેવા અસલી હિરોને ઓળખે અને સમજે તો સમાજ સેવાની પ્રેરણા મળી રહે છે. અને તેઓ પણ કોઇ સારા કામ કરી શકે છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *