- કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી યુવતી અને યુવક વચ્ચે પરિચય થયો હતો
- પત્નીને મેસેજ કર્ર્યાનો વહેમ રાખીને પતિ યુવાનને ગાડીમાં ઉઠાવી ગયો હતો
- ચાણસ્મા તાલુકાનાં વડાવલી ગામે રહેતા ગૌરવ પ્રજાપતિ પોતાનાં ઘરે હતા
ચાણસ્માના વડાવલી ગામે એક યુવાન અને એક મહિલા સાથે સંપર્કમાં હોવાનો અને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને મહિલાનાં પતિએ એક વ્યક્તિ સાથે મળીને એ યુવાનનું ગાડીમાં અપહરણ કરીને લઈ તેને માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે.
આ અંગેની મળતી વિગતો એવી છે કે, ચાણસ્મા તાલુકાનાં વડાવલી ગામે રહેતા ગૌરવ પ્રજાપતિ પોતાનાં ઘરે હતા, ત્યારે રવિવારની મોડી સાંજે સાડા આઠેક વાગ્યાનાં સુમારે બે વ્યક્તિઓ ગાડી લઈને આવ્યા હતા. વડાવલીમાંથી ગૌરવ પ્રજાપતિને કિડનેપ કરીને લઈ ગયા હોવાનાં સમાચાર ગામનાં કોઈએ ગૌરવનાં ભાઈ ધવલભાઈ રસીકભાઈ પ્રજાપતિને આપતાં તેઓ બહારગામ હોવાથી ત્યાંથી વડાવલી ગામે પરત આવ્યાં હતા. ત્યાં સુધીમાં તેમનો ભાઈ ગૌરવ મળી આવ્યો હતો.
ધવલે ગૌરવને પૂછતાં તેણે જણાવ્યું કે, તે બહુચરાજીની એક કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે અહીં કંપનીમાં જ નોકરી કરતી એક યુવતિ સાથે ઓળખાણ થઈ હતી. જેને તેણે મેસેજ કર્યો હોવાથી તેની અદાવત રાખીને તેનાંપતિ કિરણજી ઠાકોર રે. સીતાપુર, માંડલ અને તેમની સાથે આવેલો એક અજાણ્યો માણસ તેને બહુચરાજી બાજુ લઈ જઈને ધોકા અને મુક્કાથી માર માર્યો હતો. આ પછી ધવલ તેનાં ભાઈ ગૌરવને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
