Dahod News: આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજ્ય સરકાર દ્વારા બાળકોના કુપોષણ નિવારણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી પૌષ્ટિક આહાર યોજના ચલાવવામાં આવે છે, પરંતુ પાયાના સ્તરે અધિકારીઓ અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પાણી વાસણ ગામમાં આવેલી આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તામાં અત્યંત ખરાબ અને સડેલા ચણા પીરસવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા ખળભળાટ

પાણી વાસણ ગામના બારીયા ફળિયામાં આવેલી આંગણવાડીમાં જ્યારે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો, ત્યારે તેમાં ખરાબ અને જીવાતવાળા ચણા જોવા મળ્યા હતા. જાગૃત નાગરિકો અને વાલીઓએ આ ખરાબ નાસ્તાના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. આ ફોટા વાયરલ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

મકાન નથી તો ઘરમાં ચાલે છે આંગણવાડી

આ મામલે તપાસ કરતા વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આંગણવાડીની પોતાની ઇમારત અત્યંત જર્જરીત હાલતમાં હોવાથી, બાળકોના જીવના જોખમે ત્યાં બેસાડી શકાય તેમ નથી. પરિણામે, આંગણવાડીના કાર્યકર બહેન હાલમાં પોતાના પરિવારના ઘરમાં આંગણવાડી ચલાવવા મજબૂર બન્યા છે. એક તરફ ભૌતિક સુવિધાઓનો અભાવ અને બીજી તરફ હલકી ગુણવત્તાનો ખોરાક, આ બંને બાબતો બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે.

સ્થાનિકોમાં ભારે રોષ, કડક કાર્યવાહીની માંગ

નાના ભૂલકાઓના આરોગ્ય સાથે થતી આ રમતને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે આહારની ગુણવત્તાની તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારી સામે કડક પગલાં લેવામાં આવે. શું સરકારની પૌષ્ટિક આહાર યોજના માત્ર કાગળ પર જ છે? તેવો પ્રશ્ન વાલીઓ પૂછી રહ્યા છે.

આ પણ વાંચો – Dahod News : રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર, સિગારેટના ડામ આપી ખંડણી માંગી, પોલીસે આરોપીને દબોચ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *