દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં લવ જેહાદનો કથિત કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે ધરમપુર શહેરના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરમપુર શહેરની એક 17 વર્ષીય સગીરાને વિધર્મી યુવક લલચાવી-ફોસલાવી ભગાડી જતાં મામલો ગંભીર બન્યો છે.
ઘટનાની વિગતો
ધરમપુર શહેરમાં રહેતી અને માત્ર 17 વર્ષની વય ધરાવતી સગીરા અચાનક ગુમ થઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક વિધર્મી યુવક તેને ભગાડી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારે તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના ગુમ થવાને પગલે પરિવાર શોકમાં ગરકાવ છે અને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી રહ્યો છે.
હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
ઘટનાની વાયુવેગે જાણ થતા જ સ્થાનિક હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. સંગઠનો દ્વારા આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. હિન્દુ સંગઠનોએ પોલીસ પ્રશાસન સમક્ષ કડક માગ કરી છે કે, આરોપી વિધર્મી યુવકને વહેલી તકે ઝડપી લેવામાં આવે અને સગીરાને હેમખેમ પરિવાર પાસે પહોંચાડવામાં આવે.
પોલીસનો લોખંડી બંદોબસ્ત
ધરમપુર શહેરની શાંતિ ન ડહોળાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધરમપુર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ધરમપુર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દીધું છે અને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસની અલગ-અલગ ટીમો આરોપીના સંભવિત ઠેકાણાઓ પર રેડ કરી રહી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેને ટ્રેસ કરી રહી છે.
આ પણ વાંચો – Valsad News: બ્રિજ પરથી કાર પર પડ્યું ચાલતું આઈસર
