Amreli News: જાફરાબાદ રેન્જમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, જાણો વન મંત્રીએ શું કહ્યું?

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. બે સિંહ બાળના શંકાસ્પદ મોત થતાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરાઈ છે. રોગચાળાની આશંકાને લઇ વનવિભાગના અધિકારીઓ દોડતા થયાં છે. સેમ્પલ લઇને તપાસ માટે લેબમાં મોકલાયા છે. રેસ્ક્યુ કરાયેલા સિંહબાળની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. માઇન્સ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. કાગવદર ગામેથી 9 સિંહબાળનું રેસ્ક્યુ કરાયું હતું.

સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરાઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં વસતા સિંહોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. વન વિભાગે 9 સિંહ બાળ અને એક સિંહણને પાંજરે પૂરવામાં આવ્યાં છે. બે સિંહ બાળના મોત થયા બાદ અન્ય સિંહબાળની હાલત અત્યંત નાજુક હોવાનું જણાયું છે. સિંહ બાળમાં ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે. પાલીતાણા શેત્રુંજી ડિવીઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વન વિભાગના અધિકારીઓ દોડતા થયાં છે. જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર માઇન્સ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરાઈ છે. વન વિભાગે સિંહબાળના સેમ્પલ લઈને ચકાસણી અર્થે મોકલ્યા છે.

વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન

બે સિંહબાળના મોત અંગે વન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કયો રોગ છે તેની ખબર પડશે. સિંહના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે. બાકીના સિંહને આઇસોલેશન હેઠળ રખાયા છે. કોઈ રોગ કે વાયરસના કારણે મૃત્યુની ઘટના બની છે તે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે. રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળના મૃત્યુની ઘટના બની છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *