ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક દરિયાની ખાડીમાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) નું કામ કરતા કેટલાક લોકોની બોટ દરિયાની ભરતી આવવાના કારણે પલટી મારી જતાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન લાપતા છે.
દરિયાની ખાડીમાં દુર્ઘટના સર્જાઈ
પ્રાથમિક માહિતી મુજબ, આસરસા ગામે આવેલ દરિયાની ખાડીમાં આ ઘટના બની હતી. બોટમાં અનેક લોકો સવાર હતા. દરિયાની ભરતી અચાનક આવી જતાં બોટ અસંતુલિત થઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રોહિત ગણપત મકવાણા નામના યુવાનનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવાન નરેશ અનોપ રાઠોડ લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જેને શોધવા માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે.
ONGCના કામદારોની બોટ પલટી
સદભાગ્યે, આ દુર્ઘટનામાં અન્ય બે લોકોનો આબાદ બચાવ થયો હતો. બચી ગયેલા લોકોને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ, મામલતદાર વસાવા, અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું. મામલતદાર અને ધારાસભ્યએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જંબુસર પોલીસ દ્વારા હાલ લાપતા યુવાન નરેશ અનોપ રાઠોડને શોધવા માટે સ્થાનિક માછીમારો અને બચાવ દળની મદદ લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કરૂણ ઘટનાથી આસરસા ગામ અને મૃતક-લાપતા યુવાનોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
