જસદણ તાલુકાના શિવરાજપુર ગામે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક આધેડની કરપીણ હત્યા કરવામાં આવી છે. શિવરાજપુર નજીક આવેલી કાળી તલાવડી (કાળી કહ) ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
શિવરાજપુર ગામે નજીવી બાબતે હત્યા
મળતી માહિતી મુજબ, મૃતક છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા (રહે. ખાંડાધાર હડમતીયા) પર ગતરોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ એક દિવસ પહેલા થયેલી સાવ સામાન્ય બાબતની બોલાચાલી હોવાનું મનાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો બેફામ બની હુમલો કરતા દેખાઈ રહ્યા છે. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પરિવારજનોનો આક્રોશ
હત્યાના આ બનાવ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારોનો આરોપ છે કે આ હત્યામાં 5 નહીં પરંતુ 15 થી 20 લોકો સામેલ હતા. ન્યાયની માંગ સાથે પરિવારોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી તમામ ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ (Dead Body) સ્વીકારશે નહીં. પોલીસે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
