સુસ્કાલમાં મીરા એન્ટરપ્રાઈઝ ખાતે 26 જાન્યુઆરીની સાંજે રેતી વૉશિંગ પ્લાન્ટમાં વીજ કરંટ લાગતા એક સગીરનું મોત નીપજ્યું હતું. જે મામલે સરકારી શ્રામ અધિકારીએ બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવવા બદલ મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે ગુનો નોંધાયો છે.
સુસ્કાલ ખાતે એક રેતી વૉશિંગ પ્લાન્ટ ઉપર 26મી જાન્યુ.ના દિવસે સાંજે એક સગીરને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. પરંતુ સુસ્કાલ ખાતે મીરા એન્ટરપ્રાઈઝમાં 3 ભાઈ એક વર્ષથી કામ કરતા હતા. જેમાંથી એકની (ઉં.23) જ્યારે મૃતકની (ઉં.16) અને ત્રીજાની (ઉં.15)વર્ષ હતી. છતાં મીરા એન્ટરપ્રાઈઝના માલિક દ્વારા બે સગીર પાસે બળ મજૂરીના નિયમોને નેવે મૂકીને જોખમી કામ કરાવાતું હતું. જેને લીધે તા.26 જાન્યુઆરીની સાંજે 16 વર્ષીય સગીરનું કરંટ લાગવાથી મોત થયું હતું. જેથી શ્રમ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, પોલીસ વિભાગ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મીરા એન્ટરપ્રાઈઝની મુલાકાત લઈને બાળ અને તરૂણ મજૂર પ્રતિબંધિત અને નિયમન સુધારા કાયદો 1986ની કલમ 33 અ હેઠળ પાવી જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પાવી જેતપુર પોલીસે મીરા એન્ટરપ્રાઈઝના માલિક અશોક કરમશી ખોખર સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
