Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ખેડા જિલ્લાની નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા સગીર બાળકી પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. લગ્ન કરવાની લાલચ આપી સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરનાર આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને અદાલત દ્વારા 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

કેસની મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ફાગવેલ ગામ (ગોકળલેરજીના મુવાડા તાબે) નો રહેવાસી આરોપી વિરેન્દ્ર ઉર્ફે કારો એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને રાજકોટ જિલ્લાના શાપર GIDC વિસ્તારમાં એક કંપનીની ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આ મામલે ઠાસરા પોલીસ સ્ટેશનમાં IPCની વિવિધ કલમો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટની કાર્યવાહી અને પુરાવા

નડિયાદના સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ યોગીબેન બારોટ દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસ દરમિયાન કુલ 13 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને 16 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓના આધારે આરોપી વિરેન્દ્ર ઉર્ફે કારો દોષિત સાબિત થયો હતો.

સજા અને વળતર

કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, માનવીય અભિગમ અપનાવીને કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂપિયા 1 લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ ગુના આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, અને ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.

આ પણ વાંચો – Nadiadમાં મોટી શાક માર્કેટની દુકાનોમાં ભીષણ આગ, અચાનક લાગેલી આગમાં 6 જેટલી દુકાનો લપેટાઇ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *