Kutch: મુન્દ્રામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાનો હુમલો, વાહનો ફૂંકી માર્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છ જિલ્લાના મુન્દ્રામાં આવેલી એક લેબર કોલોનીમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે અફરાતફરી મચી ગઈ છે. એક શ્રમિકના આપઘાત બાદ શરૂ થયેલો વિવાદ પથ્થરમારો અને આગચંપી સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ છે.

કચ્છમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

મળતી માહિતી મુજબ, મુન્દ્રાની લેબર કોલોનીમાં એક શ્રમિકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ મુન્દ્રા પોલીસની ટીમ જરૂરી કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે કોલોની ખાતે પહોંચી હતી. જોકે, ત્યાં હાજર શ્રમિકો કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસ પર હુમલો અને આગચંપી

જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે શ્રમિકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હિંસક બનેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરો ફેંકી તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ઘટનાસ્થળે ઉભેલા પોલીસ વાહનને નિશાન બનાવી તેમાં આગ ચાંપી દીધી હતી.વાહન ભડભડ સળગી ઉઠતા સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.

પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો

ઘટનાની ગંભીરતાને જોતા મુન્દ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનોનો વધારાનો કાફલો લેબર કોલોની ખાતે ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે હિંસક ટોળાને વિખેરવા માટે જરૂરી બળપ્રયોગ કર્યો હતો. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તણાવ યથાવત છે. મુન્દ્રા પોલીસે આ મામલે રાયોટિંગ (હુલ્લડ) અને સરકારી કર્મચારી પર હુમલાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પથ્થરમારો અને આગચંપી કરનારા શખ્સોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોની મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય જોખમાયું, મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *