Surendranagar News: એ એ ધડામ! પાણીની ટાંકી ધરાશાયી કરવામાં પણ બેદરકારી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની ટાંકી ધરાશાયી કરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષાના નિયમોને નેવે મુકીને કામગીરી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના લખતર શહેરના બસ સ્ટેશન નજીક બની હતી, જ્યા પાણીની ટાંકી જર્જરિત થઈ જવાને કારણે ધરાશાયી કરવામાં આવી હતી. લખતર તંત્રની આળસ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી ક્યારેક નિર્દોષ લોકોનો ભોગ લઈ શકે છે, જેનો જીવતો જાગતો પુરાવો લખતરમાં જોવા મળ્યો હતો.

સેફ્ટી વગર મજૂરો જોખમમાં

લખતર બસ સ્ટેન્ડ નજીક આવેલી અંદાજે 30 વર્ષ જૂની અને અતિ જર્જરિત પાણીની ટાંકીને આજે ધરાશાયી કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન જે પ્રકારની બેદરકારી જોવા મળી તે ખરેખર ચોંકાવનારી હતી. માત્ર રૂપિયા 12,000 માં ટાંકી તોડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષાના નામે અહીં ‘મીંડું’ જોવા મળ્યું હતું.

ટાંકી પાડવાની કામગીરી કરી રહેલા મજૂરો પાસે કોઈ પણ જાતના સેફ્ટી સાધનો (હેલ્મેટ, જેકેટ કે સુરક્ષા બેલ્ટ) નહોતા. ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરે જાણે મજૂરોના જીવની કોઈ કિંમત જ ન હોય તેમ કામ શરૂ કરાવી દીધું હતું. આ સાથે રસ્તો પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો ન હતો.

મામલતદારની સમયસૂચકતા અને પોલીસનો બંદોબસ્ત

ટાંકી જે સમયે પાડવાની હતી તે સાંજના પાંચ વાગ્યાનો સમય હતો, જ્યારે સ્કૂલના બાળકો અને વાહનચાલકોની અવરજવર સૌથી વધુ હોય છે. પંચાયત કે કોન્ટ્રાક્ટરે પોલીસ કે મામલતદારને જાણ કરવાની પણ તસ્દી લીધી ન હતી. અંતે એક જાગૃત નાગરિકે મામલતદારને ફોન દ્વારા જાણ કરી હતી.

મામલતદારે તાત્કાલિક એક્શનમાં આવી પોલીસને જાણ કરતા, જીઆરડી જવાનોએ રસ્તો બ્લોક કર્યો હતો. જો જાગૃત નાગરિક અને મામલતદારે સમયસર રસ્તો બંધ ન કરાવ્યો હોત, તો ટાંકી પડતી વખતે મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. ત્રણ કલાકની જહેમત બાદ ટાંકી ધરાશાયી થઈ હતી, પરંતુ આ ઘટનાએ પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો – Lakhtar: રેલવે સ્ટેશનનો રૂ. 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *