મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા આસપાસના ગ્રામ્ય માર્ગો પર વન્ય પ્રાણીઓ, ખાસ કરીને નીલગાયોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં લુણાવાડાથી નવા કાકચીયા માર્ગ પર એક રિક્ષા અને નીલગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
લુણાવાડાથી મુસાફરો ભરીને જઈ રહેલી એક રિક્ષા જ્યારે કાકચીયા રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક નીલગાય રોડ પર ધસી આવી હતી. રિક્ષા ચાલક કંઈ સમજે તે પહેલા જ નીલગાય રિક્ષા સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર અગાઉ પણ અનેકવાર નીલગાયો આડે ઉતરવાના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. રાત્રિના સમયે તેમજ વહેલી સવારે નીલગાયોના ઝુંડ અચાનક રોડ પર આવી જતા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે. લોકોની માંગ છે કે જો તંત્ર દ્વારા રોડની બંને બાજુએ મજબૂત પ્રોટેક્શન (ફેન્સિંગ) કરવામાં આવે અથવા વન વિભાગ દ્વારા આ પ્રાણીઓના અવરજવર પર અંકુશ લાવવામાં આવે, તો ભવિષ્યમાં થતા આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે. સ્થાનિકોની પ્રબળ માંગ છે કે તંત્ર આ બાબતે વહેલી તકે જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા યોગ્ય પગલાં ભરે.
